Mysamachar.in-ગાંધીનગર:
સૌ જાણે છે તેમ આમ તો ગુજરાત ડ્રાય સ્ટેટ છે, એટલે કે ગુજરાતમાં દારૂબંધી છે. જ્યાં શરાબ વેચાણ કરવો કે પીવો તે ગેરકાયદેસર છે પણ સિક્કાની બીજી બાજુ એવી છે કે જેટલો દારુ વર્ષમાં પોલીસ ઝડપી પાડે છે તેનાથી વધુ તો પ્યાસીઓ પી જાય છે, અને માટે જ કેટલાક રાજકીય મહાનુભાવો આ દારૂબંધીને દંભી પણ કહે છે, પરંતુ ડ્રાય સ્ટેટ ગુજરાતમાં પણ કાયદેસર રીતે પણ પુષ્કળ દારુ પીવાય છે. તેવું હેલ્થ પરમીટનો આંકડો કહે છે કે, રાજ્યમાં વર્ષ 2023 ની સ્થિતિએ 39 હજાર 888 લોકો પાસે દારૂની પરમીટ હોવાની વિગતો ખુદ સરકારે વિધાનસભામાં આપી છે.
કોંગ્રેસના ધારાસભ્યના પ્રશ્નમાં સરકારે માહિતી આપી છે. જેમાં સરકારે જણાવ્યું કે, રાજ્યમાં વર્ષ 2023 ની સ્થિતિએ 39 હજાર 888 લોકો પાસે દારૂની પરમીટ છે. છેલ્લા 3 વર્ષમાં 14 હજાર 696 દારૂની પરમીટ માટે નવી અરજીઓ મળી છે. જ્યારે 30 હજાર 112 લોકોની દારૂની પરમિટ રીન્યુ કરવામાં આવી છે. સરકારને દારૂના પરવાનાથી કરોડોની આવક થઈ છે. 3 વર્ષમાં દારૂના નવા પરવાના હેઠળ સરકારને 8 કરોડ 75 લાખ 87 હજાર 300 રૂપિયાની આવક થઈ છે. તો 3 વર્ષમાં દારૂના રીન્યુ પરવાના હેઠળ 29 કરોડ 80 લાખ 33 હજાર 300 રૂપિયાની આવક થઈ છે. છેલ્લા 3 વર્ષમાં સરકારને દારૂના પરવાના હેઠળ 38 કરોડ 56 લાખ 20 હજાર 600 રૂપિયાની આવક થઈ છે.
જે લોકોને સ્વાસ્થ્યના આધાર પર દારૂ ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે તે સિવાય વિદેશી નાગરિકો અને અન્ય રાજ્યોના લોકોને ગુજરાત પ્રવાસ દરમિયાન વધુમાં વધુ એક અઠવાડિયાના સમયગાળા માટે દારૂ ખરીદવાની મંજૂરી મળે છે. આંકડા મુજબ અમદાવાદ જીલ્લામાં 13456 દારૂ પરમિટ, સુરતમાં 9238 દારૂ પરમિટ, રાજકોટમાં 4502, વડોદરામાં 2743, જામનગરમાં 2039 દારૂ પરમિટ, ગાંધીનગર 1851 અને પોરબંદર 1700 પરમિટ સાથે યાદીમાં છે. એક અન્ય આંકડા મુજબ ગુજરાતની 77 હોટલોને પરમિટ ધારકોની સાથે સાથે દેશના અન્ય ભાગો કે વિદેશથી રાજ્યમાં આવનારા લોકોને દારૂ વેચવાનું લાયસન્સ આપવામાં આવ્યું છે. વિભાગ દ્વારા વ્યક્તિઓને દારૂ પરમિટ ત્યારે જ આપવામાં આવે છે જ્યારે પ્રાદેશિક મેડિકલ બોર્ડ એ જાહેર કરનારું પ્રમાણ પત્ર આપે કે અરજીકર્તાના સ્વાસ્થ્ય માટે દારૂનું સેવન જરૂરી છે.