Mysamachar.in-ગાંધીનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં આગામી મહિને ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. બોર્ડ પરીક્ષાઓમાં ઉમેદવારો દ્વારા ઘણાં પ્રકારની ગેરરીતિઓ પણ થતી હોય છે, જે પૈકી અમુક ગેરરીતિઓ બહાર પણ આવતી હોય છે અને કસૂરવારો વિરુદ્ધ કાર્યવાહીઓ પણ થતી હોય છે. શિક્ષાત્મક કાર્યવાહીઓ અસરકારક બનાવવા કેટલીક ગેરરીતિઓમાં તો ફોજદારી ફરિયાદ પણ દાખલ થઈ શકે છે, આ પ્રકારની ગેરરીતિઓ અંગે બોર્ડ દ્વારા એક ચેતવણીરૂપ યાદી જાહેર કરવામાં આવી છે.
બોર્ડ પરીક્ષાઓ સંબંધે જાહેર થયેલી આ યાદીમાં દર્શાવવામાં આવ્યું છે કે, કુલ 5 પ્રકારની ગેરરીતિઓ અલગથી ડીફાઈન કરવામાં આવી છે, જે બદલ કસૂરવાર વિરુદ્ધ FIR દાખલ કરાવવામાં આવશે. આ પાંચ ગેરરીતિઓ અંગે સ્પષ્ટતાઓ કરવામાં આવી છે.
બોર્ડ દ્વારા કહેવાયું છે કે, ગેરરીતિઓ સંબંધે સૌથી વધુ કેસ મોબાઇલ લઈને પરીક્ષાખંડમાં પ્રવેશ અંગેના હોય છે. આથી મોબાઈલ કે ડિજિટલ ઘડિયાળ સહિતના કોઈ પણ ઈલેક્ટ્રોનિક ઉપકરણ લઈને પરીક્ષાઓ આપવા ન જવું એવી તાકીદ કરવામાં આવી છે. ઘણાં કિસ્સાઓમાં પરીક્ષાર્થી પોતાની ઉતરવહી ખંડ નિરીક્ષકને સોંપતા નથી ! આવા કેસમાં નિરીક્ષક FIR નોંધાવી શકે છે.
આ ઉપરાંત ઘણાં કિસ્સાઓમાં ખરા ઉમેદવારને બદલે પુરૂષ અથવા સ્ત્રી ડમી વ્યક્તિ પરીક્ષા આપતી હોય છે. ઘણી વખત પ્રશ્નપત્રની વિગતો ખંડની બહાર પહોંચી જતી હોય છે. આ પ્રકારના કિસ્સાઓમાં પણ જેતે ઉમેદવાર વિરુદ્ધ FIR થઈ શકે છે. કેટલાંક કેસમાં ઉમેદવાર ઉતરવહીમાં પોતાની ફેવર માટે પેપર ચકાસનારને લલચાવવા અમુક લખાણ લખે છે, અથવા ખોટી રીતે માર્ક મેળવવા ઉતરવહી સાથે મોટી ચલણી નોટ ચીપકાવી દે છે.
બોર્ડે ઉમેદવારો દ્વારા આચરવામાં આવતી કુલ 33 પ્રકારની સંભવિત ગેરરીતિઓની યાદી જાહેર કરી છે જેમાં ગેરરીતિઓ સબબ સજાની જોગવાઈઓ પણ જાહેર કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, દર વર્ષે ઉમેદવારો દ્વારા મોબાઇલ પરીક્ષાખંડમાં લઈ જવાના સરેરાશ 15-17 કિસ્સાઓ બહાર આવતાં હોય છે. આ ઉપરાંત કેટલાંક કેસમાં મોબાઇલ મારફતે પ્રશ્નપત્ર આંશિક કે પૂર્ણ રીતે લીક કરવાના, ફોડવાના કિસ્સાઓ પણ બનતાં હોય છે, જે અટકાવવા પણ ફોજદારી ફરિયાદની જોગવાઈ છે. આ બધી જ વિગતો સાથેની યાદી પરીક્ષાસંચાલકોને મોકલવામાં આવી છે.