Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
સરકાર દરિયાના ખારાં પાણીમાંથી મીઠું પાણી બનાવવા ચાહે છે અને આ માટે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે બે જુદાં જુદાં જિલ્લામાં, ડિસેલિનેશન પ્લાન્ટ માટેની ગતિવિધિઓ 2019થી ચાલી રહી છે. જો કે, 2025ના અંત સુધીમાં આ પ્લાન્ટ કાર્યરત થવાની સંભાવનાઓ બહાર આવી છે, કેમ કે પ્લાન્ટ બનાવનાર કંપનીએ પોતાનું નાણાંકીય વ્યવસ્થાપન હજુ હમણાં ગોઠવ્યું છે.
ગુજરાત સરકારે વર્ષ 2019માં જાહેર કરેલું કે, ખારાં પાણીમાંથી મીઠું પાણી મેળવવા દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લાઓમાં બે ડિસેલિનેશન પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવશે. આ મુદ્દે વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન સરકારે કબૂલ કર્યું કે, આ પ્રોજેક્ટસમાં વિલંબ થયો છે. હજૂ આ પ્લાન્ટસ મે-2025 પહેલાં કાર્યરત થવાની સંભાવનાઓ નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે, પાંચ વર્ષ અગાઉ એમ જાહેર થયેલું કે, દ્વારકા જિલ્લાના હર્ષદ ગાંધવી નજીક દરિયાકાંઠે એક પ્લાન્ટ બનશે, જેની ક્ષમતા 70 MLD ની હશે. આ ઉપરાંત અન્ય એક પ્લાન્ટ ગીર સોમનાથ જિલ્લામાં સૂત્રાપાડાના દરિયાકિનારે બનાવવામાં આવશે. જે પ્લાન્ટની ક્ષમતા 30 MLD નક્કી કરવામાં આવી છે.
આ બંને પ્લાન્ટસની કામગીરીઓ શાપૂરજી પાલૂનજી એન્ડ કંપની પ્રા.લિ.ને સોંપવામાં આવી છે. આ કંપનીએ એક જોઈન્ટ વેન્ચર કંપની બનાવી છે જેનું financial management મે-2023માં પૂર્ણ થયું છે. અને, શરતો મુજબ કામ પૂર્ણ કરવામાં હજુ બે વર્ષનો સમય લાગી શકે એમ છે.