Mysamachar.in: અમદાવાદ
જામનગરના 3 શખ્સો અમદાવાદ પોલીસમાં ઝડપાઈ ગયા છે. આ શખ્સો જે વાહન લઈને અમદાવાદ ગયા હતાં તે વાહનમાં નંબર પ્લેટ નથી. આ વાહનમાં ભાજપની પ્લેટ લગાડેલી છે. આ વાહન પોલીસે ગુનાના કામમાં વપરાયેલ વાહન તરીકે કબજે લીધું છે. આ શખ્સોની ધમકીના એક કેસમાં ધરપકડ થઈ છે. આ શખ્સોએ અમદાવાદમાં એક બિલ્ડરને ધમકી આપી હોવાની ફરિયાદ અમદાવાદ પોલીસમાં થતાં, પોલીસે આ 3 શખ્સોને ઝડપી લીધાં છે.
આ શખ્સો અગાઉ ઓક્ટોબર મહિનામાં પણ અમદાવાદના આ બિલ્ડર પાસે પહોંચ્યા હતાં. ત્યારબાદ ફરી અમદાવાદ પહોંચતા આ શખ્સો ઝડપાઈ ગયા છે. બિલ્ડર કહે છે, આ શખ્સો અપહરણ અથવા લૂંટના ઈરાદે અહીં આવતાં હતાં. ઓક્ટોબર મહિનામાં આ શખ્સો ફોર્ચ્યુનર વાહન લઈને ગયેલા, ત્યારના CCTV ફૂટેજ પોલીસ પાસે છે. આ વખતે આ શખ્સો સ્કોર્પિયો વાહન લઈને ગયા હતાં.
ફરિયાદી બિલ્ડરનું નામ નિલેશ બાલધા છે. બાલધાના એક ભાગીદારનું નામ દિપકભાઈ છે, દિપકભાઈને આમંત્રણ આપવું છે એવી વાત આ શખ્સોએ ઓક્ટોબર મહિનામાં કરી હતી. તે પછી તાજેતરમાં બીજી વખત નિલેશ બાલધાની સાઈટ પર પહોંચી આ શખ્સોએ એમ કહ્યું કે, તમારાં ભાગીદાર પ્રવિણભાઈને આમંત્રણ આપવું છે. આમ કહી આ શખ્સોએ નિલેશ બાલધાને સાઈટ પરથી પોતાની સાથે કયાંક લઈ જવા પણ પ્રયાસ કરેલો. પરંતુ બિલ્ડરને કંઈક ખોટું થઈ રહ્યાની ગંધ આવી જતાં, આ શખ્સોએ ફરિયાદીની સાઈટ પરથી નાસી જવાનો પ્રયાસ પણ કરેલો. પરંતુ બિલ્ડર તથા તેના સ્ટાફે આ શખ્સોને ઓફિસમાં જ રોકી રાખી, તે દરમિયાન પોલીસ કંટ્રોલરૂમમાંથી પોલીસ બોલાવી લીધી.
અમદાવાદની સોલા પોલીસે ફરિયાદના આધારે જામનગરના મિલન સુરેશભાઈ ભોગાયતા, પ્રદીપ શાંતિલાલ આરંભડિયા અને મહેશ ભગવાનજી ત્રિવેદીની ધરપકડ કરી લીધી છે અને અમદાવાદ આ રીતે બે વખત આવવા પાછળ તથા દર વખતે નિલેશ બાલધાનો જ સંપર્ક કરવા પાછળ, આ શખ્સોનો ઈરાદો શું હતો? એ જાણવા પૂછપરછ હાથ ધરી છે. પોલીસ એ જાણવા પણ પ્રયાસ કરી રહી છે કે, આ શખ્સો અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ ?