Mysamachar.in:જામનગર
જામનગરમાં ડુપ્લિકેટ ઇલેક્ટ્રોનિક્સ આઈટમ પણ વેચાણ થઈ રહી છે, એ મતલબની એક રજૂઆત જામનગરના ગ્રાહક સુરક્ષા મંડળ સમક્ષ થઈ છે. આ ગ્રાહક પણ જામનગરના જ છે, જેણે લખ્યું છે, અંબર સિનેમા નજીક આવેલ કેતન એન્ટરપ્રાઇઝમાંથી ખરીદવામાં આવેલું વોશિંગ મશીન ડુપ્લિકેટ હોવાની તેઓને શંકાઓ છે, કારણ કે આ મશીન લીધું છે તે દિવસથી ગ્રાહક પરેશાન છે.
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં કાપડમિલની ચાલીમાં રહેતાં, જયેન્દ્ર ભગવાનજી ગનવીરે જામનગર ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી કિશોર મજીઠિયા સમક્ષ એક લેખિત રજૂઆત કરી છે. આ રજૂઆતમાં આ ગ્રાહકે કેતન એન્ટરપ્રાઈઝ વિરુદ્ધ ડુપ્લિકેટ વોશિંગ મશીન મામલે ચોંકાવનારી વાત લખી છે.
આ રજૂઆત કહે છે: આ ગ્રાહકે 21-08-2023ના દિને કેતન એન્ટરપ્રાઈઝ(અંબર સિનેમા પાસે)માંથી એક વોશિંગ મશીનની ખરીદી કરી, ગ્રાહકે પોતાનું જૂનું વોશિંગ મશીન કેતન એન્ટરપ્રાઈઝને આપ્યું હતું જેના રૂ. 8,000 નવા મશીનની કિંમતમાંથી બાદ કરી આપવામાં આવ્યા હતાં, તે ઉપરાંત આ ગ્રાહકે કેતન એન્ટરપ્રાઈઝને રૂ. 10,000 આપ્યા. આમ નવા મશીનની કિંમત રૂ. 18,000 ગણવામાં આવી.
રજૂઆતમાં જયેન્દ્ર ગનવીર કહે છે: અમોએ ખરીદેલું આ વોશિંગ મશીન કેલ્વિનેટર કંપનીનું છે. જેની ગેરંટી વોરંટી 5 વર્ષની છે. આ વોશિંગ મશીન અમોને ડુપ્લિકેટ આપવામાં આવ્યું છે. ખરીદીના 20 જ દિવસમાં મશીન બગડી ગયું. ત્યારબાદ ગ્રાહકની ફરિયાદના આધારે આ મશીન રિપેર કરી આપવામાં આવ્યું. રિપેરીંગ બાદ પણ આ વોશિંગ મશીન અવારનવાર બગડી જાય છે. આથી આ મશીન કેલ્વિનેટર કંપનીનું ના હોય, ડુપ્લિકેટ હોવાનું અમોને જણાય છે.
રજૂઆત કહે છે: કેતન એન્ટરપ્રાઈઝે કેલ્વિનેટર કંપની સાથે પણ છેતરપિંડી કરી હોવાનું જણાઈ રહ્યું છે. હાલમાં પણ આ મશીન બંધ હાલતમાં છે. અમોએ અવારનવાર આ મુદ્દે કેતન એન્ટરપ્રાઈઝમાં ફરિયાદ કરતાં, તેઓ દ્વારા તોછડાઈથી ઉદ્ધત વર્તન કરવામાં આવ્યું છે અને એ રીતે અમારે માનસિક ત્રાસ પણ સહન કરવો પડ્યો છે.
જયેન્દ્ર ગનવીરે ગ્રાહક સુરક્ષા મંડળને લખ્યું છે કે, અમારી ઉપરોકત હકીકતોને ધ્યાને લઈ, કેતન એન્ટરપ્રાઈઝ સામે ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે જરૂરી કાર્યવાહીઓ કરી, અમોને વોશિંગ મશીનની કિંમત રૂ. 18,000 તેમજ માનસિક ત્રાસનું વળતર રૂ. 40,000 અપાવવા જરૂરી કાર્યવાહીઓ કરવા વિનંતી રજુઆતના અંતે કરી છે.(અહી મુકવામાં આવેલ તસ્વીર પ્રતિકાત્મક છે)





