Mysamachar.in:જામનગર:
જામનગર હવે વીજમીટરની દિશામાં આધુનિક બનવાની તૈયારીઓ કરી ચૂક્યું છે. ગણતરીના દિવસોમાં જ આપના ઘરે સ્માર્ટ વીજમીટર પહોંચી જશે, જે માટેની આગોતરી તૈયારીઓનો ધમધમાટ હાલ ચાલુ છે અને આ માટેના પાયલોટ પ્રોજેક્ટને ફિઝિકલી અમલી બનાવવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
Mysamachar.inને મળેલી વિગતો અનુસાર, હાલમાં જામનગર વીજકચેરીના અધિક્ષક ઈજનેર યશપાલસિંહ જાડેજાના માર્ગદર્શન મુજબ, પીજીવીસીએલના અધિકારી કાલાવડીયા આ પ્રોજેક્ટને આગળ વધારવા સતત મોનિટરીંગ કરી રહ્યા છે. વીજતંત્રના અધિકારી કાલાવડીયાના કહેવા અનુસાર, સ્માર્ટ વીજમીટર કામગીરીઓ માટે શહેરના સેન્ટ્રલ ઝોન હેઠળના તમામ વિસ્તારોમાં સર્વે કામગીરીઓ પૂર્ણ થઈ ગઈ છે. સ્માર્ટ વીજમીટરોના લોટની ટેસ્ટિંગ કામગીરીઓ કરવામાં આવી રહી છે. ત્યારબાદ, નવા મીટર લગાડતાં પહેલાં પીજીવીસીએલની લેબોરેટરીમાં પણ ટેસ્ટિંગ થશે, વીજમીટર સંપૂર્ણ ઓકે થયા બાદ જ કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા જેતે ગ્રાહકના રહેણાંક, દુકાન, ઓફિસ, કારખાના કે ગોદામના સ્થળે આ વીજમીટર લગાવવામાં આવશે.

સમગ્ર વ્યવસ્થાને યૂઝર ફ્રેન્ડલી બનાવવા બધી જ બાબતોનો ખ્યાલ રાખવામાં આવે છે. દરેક ગ્રાહકના મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ થતાં જ, ગ્રાહક વીજ સપ્લાય તથા વપરાશ સહિતની બધી જ બાબતો પર ધ્યાન આપી શકશે. કોઈ ગ્રાહકનું વીજબિલ મોટું જનરેટ થાય તેવા કિસ્સાઓમાં ગ્રાહક એ પણ જાણી શકશે કે, તેનું ક્યુ વીજ ઉપકરણ વધુ વીજળી ખાઈ જાય છે, શા માટે વપરાશ વધુ થાય છે, વપરાશ ઘટાડવા શું કરવું જોઈએ- વગેરે બધી જ બાબતોનું માર્ગદર્શન એપ્લિકેશન મારફતે મેળવી શકાશે. એક કે બે મહિનાના રિચાર્જને બદલે ઓછા દિવસના વપરાશ માટે નાની રકમનું રિચાર્જ પણ એપ્લિકેશન મારફતે કરી શકાશે. કોન્ટ્રાક્ટર તથા મીટરની સેવાઓ અંગે ગ્રાહકને કોઈ પણ પ્રકારની ફરિયાદ ન રહે તે રીતે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.

શહેરના સેન્ટ્રલ ઝોન હેઠળના અંદાજે 32,000થી વધુ વીજજોડાણોનો સર્વે ઓલરેડી પૂર્ણ થઈ ચૂક્યો છે અને સાત રસ્તા ઝોન હેઠળના અંદાજે 33,000 જેટલાં વીજજોડાણનો સર્વે આશરે 90 ટકા જેટલો પૂર્ણ થઈ ગયો છે. અને, આ મહિનાના અંત સુધીમાં જ સ્માર્ટ વીજમીટર લગાવવાની ફિઝિકલ કામગીરીઓ શરૂ થઈ જશે. બાદમાં દરેક ગ્રાહક મોબાઇલ રિચાર્જ માફક જ વીજમીટર રિચાર્જની તમામ સુવિધાઓ અને જાણકારીઓ પોતાના મોબાઈલ પર ઓનલાઈન મેળવી શકશે, સંપૂર્ણ વ્યવસ્થા યૂઝર ફ્રેન્ડલી બનાવી લેવામાં આવી છે. વીજચોરોની આપોઆપ બાદબાકી થતાં, વોલ્ટેજ વધઘટની સમસ્યાઓ પણ ઘટવા પામશે, અને આમ થતાં પ્રમાણિક વીજગ્રાહક માટે આ નવી વ્યવસ્થા આશિર્વાદરૂપ સાબિત થઈ શકશે.
