Mysamachar.in-કચ્છ:
છેલ્લા કેટલાંક સમયથી સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતની પોલીસની કુંડાળીઓમાં રાહુ ગ્રહ વંકાયો છે, ઘણાં બધાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ કાયદાની હડફેટમાં આવી રહ્યા છે, જુદાં જુદાં જિલ્લાઓમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ FIR થઈ રહી છે અને ધરપકડો તથા રિમાન્ડના તબક્કાઓ પણ જોવા મળી રહ્યા છે. ખાખી પર તવાઈ ઉતરી રહી છે. જેથી સમગ્ર રાજ્યમાં પોલીસવર્તુળમાં ભારે ચર્ચાઓ અને ફફડાટ પણ સંભળાઈ રહ્યો છે.
આવો વધુ એક કેસ, કચ્છ પોલીસમાં બન્યો છે. 2015માં અહીં એક કંપનીના કર્મચારીના અપહરણ અને તેની પાસેથી ખંડણી વસૂલવાનો મામલો ચર્ચાઓમાં આવ્યો હતો, જેમાં હવે નવ વર્ષ બાદ સંબંધિત પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીઓ શરૂ થઈ છે, જો કે આ બધું સુપ્રિમ કોર્ટમાં મામલો પહોંચ્યા બાદ થઈ રહ્યું છે.
આ કેસની જાહેર વિગતો: કચ્છમાં કાર્યરત અને અમદાવાદમાં હેડ કવાર્ટર ધરાવતી ઈલેક્ટ્રોથર્મ કંપનીના માલિક શૈલેષ ભંડારી વિરુદ્ધ 2015માં એક અપહરણ અને ખંડણીનો મામલો ઉઠ્યો હતો. આ મામલામાં ભંડારી વિરુદ્ધની ફરિયાદને ભોં માં ભંડારી દેવાના મુદ્દે કચ્છના 2 તત્કાલીન IPS, 3 DySP અને 1 પોલીસ ઈન્સ્પેક્ટર વિરુદ્ધ CID ક્રાઈમમાં ફરિયાદ દાખલ થતાં કચ્છ સહિત રાજ્ય પોલીસમાં સનસનાટીપૂર્ણ વાતાવરણ જોવા મળે છે.
અપહરણ અને ખંડણી જેવા ગંભીર મામલામાં કેસ દાખલ કરવાને બદલે, આરોપીને બચાવવા માટે થયેલાં પ્રયાસો બદલ આ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. પૂર્વ કચ્છના 2 તત્કાલીન SP GV બરોડ અને ભાવના પટેલ ઉપરાંત 3 DySP વિજય ગઢવી, ધનંજય વાઘેલા અને RD દેસાઈ તેમજ PI MK ચૌહાણ વિરુદ્ધ ભૂજ CID એ ગુનો દાખલ કરાવ્યો છે.
ફરિયાદીનું નામ પ્રેમ લીલારામ શિરવાણી, જે ઈલેક્ટ્રોથર્મ કંપનીમાં કામ કરતો હતો. કંપનીનો માલિક શૈલેષ ભંડારી. ફરિયાદીને આ કંપનીમાં ડાયરેક્ટર બનાવી તેના નામે 400 કરોડની લોન લઈ, આ ફરિયાદીને પતાવી દેવાનો કારસો ઘડવામાં આવ્યો છે એવી ગંધ ફરિયાદીને આવી ગયેલી, એટલે તેણે કંપનીમાં ડાયરેક્ટર બનવા ઈનકાર કર્યો. બાદમાં આ ફરિયાદીનું અપહરણ થયું. તેને આઠ દિવસ ગોંધી રાખવામાં આવ્યો. ફરિયાદીની પત્ની પાસેથી રૂ. 2.25 કરોડ સુધીની ખંડણી વસૂલવામાં આવી અને પછી પણ હેરાનગતિ ચાલુ રાખવામાં આવી, આ પ્રકારની રજૂઆત થયેલી.
આ રજૂઆત પોલીસ સમક્ષ કરનાર પ્રેમ શિરવાણી પાસે ઓડિયો અને વીડિયોઝ પુરાવારૂપે હતાં છતાં, ત્યારના પોલીસ અધિકારીઓએ શૈલેષ ભંડારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાને બદલે, પોલીસે આ આરોપીને મદદ કરી. એટલું જ નહીં, આ મામલો અદાલતમાં પહોંચી ગયો તો પણ પોલીસ આરોપીને બચાવવાના પ્રયાસ કરતી જ રહી.બાદમાં, આ 6 પોલીસ અધિકારીઓને સંડોવતો આ મામલો છેક સુપ્રિમ કોર્ટમાં ગયો. ફરિયાદીને રાજ્યની વડી અદાલતમાં પણ ન્યાય પ્રાપ્ત થયો ન હતો. પછી સુપ્રિમ કોર્ટનો આદેશ આવતાં, આ 6 પોલીસ અધિકારીઓ સહિત કુલ 19 વિરુદ્ધ ગુનો દાખલ કરવો પડ્યો. આ ગુનો દાખલ કરવામાં પણ ભૂજ CID ક્રાઈમ પોલીસને સુપ્રિમના આદેશ બાદ, એક મહિનો લાગ્યો.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ મામલો 9 વર્ષથી ચાલે છે. ફરિયાદીએ પોલીસ સમક્ષ બધી જ વિગતો રજૂ કરી પરંતુ પોલીસ છેક સુધી રટણ રટતી રહી કે, ફરિયાદી કહે છે એવું કશું બન્યું નથી. અને, એ માટે પોલીસ સતત આ કેસમાં કલોઝીંગ રિપોર્ટ (કેસની ફાઈલ બંધ !) રજૂ કરતી રહી.આ કેસનો ફરિયાદી અનેક વખત પોલીસ સ્ટેશન ગયો, ગાંધીધામ SP કચેરી ગયો, ગાંધીનગર DGP કચેરીએ ગયો, હાઈકોર્ટમા ગયો અને આખરે તેને છેક સુપ્રિમ કોર્ટના પગથિયાં પર ચાલવું પડ્યું. ત્યારે, હવે હજુ તો ફરિયાદ દાખલ થઈ. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, અપહરણ અને ખંડણીના આ કિસ્સામાં જેતે સમયે SITની રચના પણ કરવામાં આવેલી. જેમાં તપાસના અંતે, તત્કાલીન DySP દેસાઈએ કંઈ જ બન્યું નથી, એમ જણાવી તેમાં પણ ક્લોઝર રિપોર્ટ ભરી દીધો હતો.