Mysamachar.in-અમદાવાદ:
સમગ્ર રાજયમાં દારૂબંધી છે ત્યારે પાટનગર ગાંધીનગરના એક માત્ર વિસ્તાર, ગિફ્ટ સિટીમાં જ દારૂની છૂટ શા માટે ? આ છૂટ પરત ખેંચી લેવી જોઈએ- એ મતલબની જાહેર હિતની એક અરજી વડી અદાલતમાં ફાઈલ થઈ છે. આ PIL ને કારણે વધુ એક વખત રાજ્યમાં દારૂબંધીનો નિષ્ફળ અમલ અને ગિફ્ટ સિટીમાં અપાયેલી આ છૂટનો મુદ્દો ચર્ચાઓમાં આવ્યો છે.
ગીર સોમનાથ જિલ્લાના એક સામાજિક કાર્યકર, ઈરફાન ભંગાનીએ જાહેર હિતની આ અરજી દાખલ કરી છે. જેમાં તેણે અદાલતમાં એમ કહ્યું છે કે, ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ માટે ગુજરાત સરકારે 22-12-2023ના દિને, એક પરિપત્ર બહાર પાડ્યો હતો, જેના આધારે ગિફ્ટ સિટી પૂરતી દારૂબંધી હટાવવામાં આવી છે. આ પરિપત્ર પરત ખેંચવાની અરજદારે માંગ કરી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગિફ્ટ સિટીમાં કર્મચારીઓ અને મુલાકાતીઓ માટે દારૂછૂટ આપવામાં આવી છે. આ પગલું ધનિકોના લાભાર્થે ભરવામાં આવ્યું છે એમ આ અરજીમાં કહેવાયું છે. આ ઉપરાંત અરજીમાં કહેવાયું છે કે, રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બધે જ દારૂ મળે છે અને પિવાય છે. જો ગિફ્ટ સિટીમાં દારૂછૂટ ચાલુ રાખવી હોય તો, સમગ્ર રાજ્યમાં દારૂબંધી હટાવી લેવી જોઈએ.
આ અરજીમાં જો કે એમ પણ કહેવાયું છે કે, જો રાજ્યમાં દારૂબંધી હટાવવામાં આવે તો, મહિલાઓ પરના અત્યાચાર વધી શકે છે, દારૂની છૂટવાળા રાજ્યોમાં આવું જોવા મળે છે. આ સાથે જ એમ પણ કહેવાયું છે કે, જો દારૂબંધી હટાવવી જ હોય તો, આદિવાસી વિસ્તારમાં દારૂનું ઉત્પાદન શરૂ કરાવવું જોઈએ કે જેથી ગરીબ આદિજાતિ લોકોને તેથી આવક થાય.
અરજીમાં કહેવાયું છે કે, માત્ર ગિફ્ટ સિટીમાં અપાયેલી દારૂછૂટ મોનોપોલી ઉભી કરે છે. ગિફ્ટ સિટીમાં રૂ. 108 કરોડની મેમ્બરશિપ રજિસ્ટર્ડ થઈ ગઈ છે. ગિફ્ટ સિટીમાં કુલ 500 કરોડની પ્રોપર્ટીના સોદા થઈ ચૂક્યા છે, આ એક મોનોપોલી છે. આ દારૂછૂટનો પરિપત્ર પરત ખેંચવો જોઈએ અથવા સમગ્ર રાજ્યમાંથી દારૂબંધી હટાવવી જોઈએ.