Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં રહેલાં આરોપીઓ અને જેલમાં બંદીવાન કાચા-પાકા કામના આરોપીઓના મોત કાયમ સંવેદનશીલ મુદ્દો રહ્યો છે કેમ કે, આ પ્રકારના મામલાઓમાં સામાન્ય રીતે સ્થાનિક કક્ષાએ મોટો ઉહાપોહ મચતો હોય છે, જો કે આવા મામલાઓમાં કસૂરવારોને ખાસ કોઈ સજા થતી હોવાનું ભાગ્યે જ નોંધાતું હોય છે. તાજેતરમાં આ પ્રશ્નોતરી વિધાનસભામાં પણ ચમકી હતી. વિધાનસભામાં એક પ્રશ્નના ઉત્તરમાં સરકાર વતી મંત્રીએ કેટલાંક આંકડાઓ રજૂ કર્યા હતાં. વિધાનસભામાં કહેવાયું છે કે, પાછલાં બે વર્ષ દરમિયાન ગુજરાતમાં જેલ અને પોલીસ કસ્ટડીમાં કુલ 173 શખ્સોના મોત નીપજયા છે.
મંત્રીએ વધુ વિગતો આપતાં કહ્યું કે, 2022માં જેલ કસ્ટડીમાં 75 કેદીઓનાં અને પોલીસ કસ્ટડીમાં 14ના મોત થયા છે. જયારે 2023માં જેલમાં 70 અને પોલીસ કસ્ટડીમાં 14ના મોત થયા છે. કસ્ટોડિયલ મોતના કિસ્સાઓમાં સરકાર તરફથી લેવામાં આવેલાં પગલાંઓની માહિતી આપતાં ગૃહમંત્રીએ વિધાનસભામાં કહ્યું હતું કે, જવાબદારો સામે ખાતાંકીય તપાસ-ફરજમોકૂફી-રોકડ દંડની શિક્ષા-રિપ્રિમાન્ડની શિક્ષા-ઈજાફો અટકાવવાની અને બદલીઓની શિક્ષા સહિતની નિયમાનુસારની કાર્યવાહીઓ કરવામાં આવી છે.
આ રીતે મૃત્યુ પામેલાં વ્યક્તિના વારસદારોને વળતર આપવાના પેટાપ્રશ્નના જવાબમાં કહેવાયું કે, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ અથવા અદાલત દ્વારા હુકમ કરવામાં આવે તેવા કસ્ટોડિયલ ડેથના કિસ્સાઓમાં વળતર ચૂકવવામાં આવે છે પરંતુ બે વર્ષ દરમિયાન આ કસ્ટોડિયલ ડેથના એક પણ કેસમાં માનવ અધિકાર આયોગ કે અદાલત દ્વારા વળતર ચૂકવવાનો હુકમ થયો નથી.