Mysamachar.in: ગુજરાત
રાજ્યના ત્રીજા ભાગના, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર અને નાના શહેરોના વિસ્તારોમાં, એટલે કે ગુજરાતના 33 ટકા વિસ્તારોમાં અધિકારીરાજ ચાલે છે, સ્થાનિક કક્ષાએ લોકોએ ચૂંટેલાં પ્રતિનિધિઓ છે જ નહીં, ચૂંટણીઓ પાછી ઠેલીને તેઓને ઘરે બેસાડી દેવામાં આવ્યા છે- આ મતલબની સ્થિતિ રાજ્યના ત્રીજા ભાગના વિસ્તારમાં છેલ્લા દોઢ વર્ષથી છે !! આ બધી જ વિગતો વધુ એક વખત ચર્ચાઓમાં આવી છે, કેમ કે રાજ્યના વિધાનસભા વિપક્ષ નેતાએ આ મુદ્દે સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા છે.
વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ એક નિવેદનમાં કહ્યું છે કે, રાજ્યની કુલ ગ્રામ પંચાયતો પૈકી ત્રીજા ભાગની એટલે કે 5,000 જેટલી ગ્રામ પંચાયતોમાં દોઢ વર્ષથી ડયૂ થયેલી ચૂંટણીઓ પેન્ડિંગ છે, સરકાર સ્થાનિક કક્ષાએ ચૂંટણીઓ કરાવવા રાજી નથી.
તેઓએ જણાવ્યું કે, રાજ્યમાં 5,000 જેટલી ગ્રામ પંચાયતો, 75 નગરપાલિકાઓ, 17 તાલુકા પંચાયતો અને 2 જિલ્લા પંચાયતોમાં આજથી દોઢ વર્ષ અગાઉ ચૂંટણીઓ માટેનો સમય પાકી ગયો હતો ત્યારે સરકારે બહાનુ કાઢ્યું હતું કે, અનામત અંગેના ઝવેરી કમિશનનો રિપોર્ટ હજુ આવ્યો નથી, તેથી આ ચૂંટણીઓ કરાવવી શક્ય નથી.ત્યારબાદ, આ ઝવેરી કમિશનનો રિપોર્ટ આવી ગયો એ વાતને પણ 6 મહિના જેવો લાંબો સમય પસાર થઈ ગયો છે. આમ છતાં સરકાર આ હજારો સંસ્થાઓમાં ચૂંટણીઓ ઈચ્છતી નથી, ચૂંટણીઓ કરાવતી નથી એમ કહી ચાવડાએ ઉમેર્યું છે કે, ગ્રામ પંચાયત, પાલિકાઓ વગેરે સંસ્થાઓમાં 6 મહિનાથી વધુ વહીવટદાર શાસન રાખી શકાય નહીં એવો નિયમ હોવા છતાં ઉપરોકત હજારો સંસ્થાઓમાં દોઢ વર્ષથી વહીવટદાર શાસન ચાલી રહ્યા છે.
અમિત ચાવડાએ એમ પણ કહ્યું કે, લોકસભા ચૂંટણીઓ આવી રહી હોય, સરકાર આ સ્થાનિક કક્ષાએ ચૂંટણીઓ ઈચ્છતી નથી, આ ચૂંટણીઓમાં મતદારો જવાબ આપી દે તો ?! એવી સરકારને બીક છે. આ ઉપરાંત સરકારને વહીવટદાર શાસન ફાવી ગયું છે, ચૂંટાયેલા લોકો દ્વારા નહીં પણ પોતાના મળતિયાઓ દ્વારા વહીવટ કરવાની સરકારને ફાવટ આવી ગઈ છે. તેથી સરકાર આ સ્થાનિક ચૂંટણીઓ કરાવવા ઈચ્છતી નથી અને વહીવટદારોના શાસનમાં લોકો થાકી ગયા છે, લોકોના કામો થતાં નથી તેમ પણ ચાવડાએ કહ્યું.