Mysamachar.in-ગાંધીનગર:
શાળા ચલે હમ અને વાંચે ગુજરાત તથા ભણે ગુજરાત જેવા રૂપકડાં સૂત્રો સાથે જ્યારે શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવતાં હોય છે ત્યારે સર્વત્ર મહા ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળતું હોય છે અને ભૂલકાંઓને કપાળે તિલક કરવામાં આવે, મોઢા મીઠાં કરાવવામાં આવે, બાળકોને રંગબેરંગી ટોપીથી માંડીને પીંછાવાળા મુગટ પહેરાવવામાં આવે તથા નેતાઓ અને અધિકારીઓ આ ભૂલકાંઓ સાથે, જશ ખાટી લેવા, ફોટોસેશન કરાવે ત્યારે, આ મહાનુભાવો મોઢા ભારમાં રાખતાં હોય છે- પરંતુ આ બધાં ઉત્સવો પૂર્ણ થતાં જ સરસ્વતીના ધામની કાળી અસલિયતો બહાર આવી જતી હોય છે અને ત્યારે ફોટોસેશન કરાવનારાઓ કોઈને મોઢું દેખાડી શકવાની સ્થિતિમાં રહેતાં નથી. જામનગર સહિત સમગ્ર રાજયમાં શિક્ષણ અને આરોગ્ય સહિતના ક્ષેત્રોમાં આવું અસંખ્ય વખત બન્યું છે, આવું વધુ એક વખત હાલમાં વિધાનસભામાં બની ગયું. સરકાર વતી વિધાનસભામાં જવાબ આપી રહેલાં શિક્ષણમંત્રીએ ખુદે ક્ષોભનો અહેસાસ કરવો પડ્યો, જો કે તો પણ તેઓએ માત્ર છાપેલો જવાબ આપી, આ ગંભીર મામલાને અનદેખ્યો કરી દીધો.
ગુજરાતની વરવી હકીકત એ છે કે, પ્રાથમિક શાળાઓમાં સરસ્વતીનાં બાળ એટલે કે ભૂલકાં હીબકે છે, ધોરણ 1 થી 8 ની આખી શાળામાં માત્ર 1 જ શિક્ષક હોય, એ શિક્ષણ વ્યવસ્થાને તમે શું કહો ? ગુજરાતમાં આવું ચાલે છે, રાજ્યની 1,606 પ્રાથમિક શાળાઓ એવી છે જ્યાં માત્ર એક જ શિક્ષક !! આ જવાબ ખુદ શિક્ષણમંત્રી કુબેર ડીંડોરએ વિધાનસભામાં આપ્યો. અને તેઓ કોઈ જ સંકોચ વિના આગળ એમ બોલ્યા કે, શક્ય એટલી ઝડપે સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આટલાં સમય સુધી ભરતીઓ શા માટે કરવામાં આવી નથી ? આ પ્રશ્નનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે તો, શિક્ષણ વિભાગની અસલિયત બહાર આવી જાય, એ બાબત મંત્રીના જવાબ પરથી સમજી શકાય છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગત્ વિધાનસભામાં એમ કહેવાયું હતું કે, એક શિક્ષકથી ચાલતી શાળાઓની સંખ્યા 754 છે. આ વિધાનસભામાં આ આંકડો 1,606 જાહેર થયો, તેના પરથી કોઈ પણ વ્યક્તિ સમજી શકે કે, રાજ્યનો શિક્ષણ વિભાગ કેવી રીતે અને શું કામ કરે છે ? સરકારની ગુણોત્સવ પરીક્ષા વિધાનસભામાં પ્રશ્નોતરી સમયે, આ રીતે આપોઆપ લેવાઈ જતી હોય છે અને આ પરીક્ષાનું પરિણામ સમાચાર બની જતું હોય છે.