Mysamachar.in:અમદાવાદ:
પતિ અને પત્ની વચ્ચેના સ્વસ્થ શારીરિક સંબંધોને વિજ્ઞાન અને સમાજજીવનમાં એક વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે કેમ કે, આ બાબત માત્ર દેહસંબંધી નથી, વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય માટે તથા પારિવારીક શાંતિ અને સુમેળમાં આ બાબત મહત્વનો ભાગ ભજવતી હોવાનું નિષ્ણાંતો માને છે અને કહે છે, અદાલતો પણ આ પ્રકારના મામલાઓમાં ગંભીર ચુકાદાઓ આપતી હોય છે.
આ પ્રકારનો એક કિસ્સો તાજેતરમાં છેક હાઈકોર્ટ સુધી પહોંચી ગયો. આ કેસમાં પતિ MD છે અને પત્ની આયુર્વેદ ડોક્ટર છે. આ મહિલાએ પોતાના પતિ સાથે 10 વર્ષ સુધી દેહસંબંધ રાખ્યો નહીં. તેણી ધર્મના એક સંપ્રદાયથી પ્રભાવિત છે. તેથી તેણી બ્રહ્મચર્ય પાળે છે. આ દંપતિ વચ્ચે લાંબા સમયથી છૂટાછેડાનો કેસ ચાલે છે અને પતિની દલીલો માન્ય રાખી વડી અદાલતે છૂટાછેડાની પતિની માંગ મંજૂર કરી.
આજથી 15 વર્ષ અગાઉ આ બંનેના મેરેજ થયેલાં અને આજથી 12 વર્ષ અગાઉ આ મુદ્દે ડોક્ટર પતિએ છૂટાછેડા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરેલી. પતિએ એવો આરોપ મૂકેલો કે, તેની પત્નીની માનસિક હાલત સંપૂર્ણ સ્વસ્થ નથી, તેણી એક આધ્યાત્મિક પંથની અનુયાયી છે અને શરીરસંબંધ મુદ્દે પતિએ ક્રૂરતાનો પણ આરોપ મૂક્યો હતો. શારીરિક સંબંધ ન બાંધવા મુદ્દે આ મહિલા એટલી અડગ બની ગઈ હતી કે, આ સંબંધ મુદ્દે જો બળજબરી થશે તો તેણી આપઘાત કરી લેશે, એવી ધમકી પણ તેણીએ ઉચ્ચારી હતી. આથી પતિ નારાજ થયો.
આ કેસમાં પતિએ એક તબક્કે એમ કહેલું કે, પત્નીની માનસિક સ્થિતિ અંગે લગ્ન પૂર્વે તેને અંધારામાં રાખવામાં આવ્યો હતો. અને આ ક્રૂરતા સમાન છે. 2018માં ફેમિલી કોર્ટે પતિના આ દાવાને ફગાવી પત્નીની એ દલીલ સ્વીકારી હતી કે, પતિએ પોતાના પુરાવામાં સુધારો કર્યો છે.બાદમાં આ મામલો હાઈકોર્ટમાં ગયો.જ્યાં પતિએ સાક્ષીઓની જુબાની સહિતના તબીબી કાગળો વગેરે રજૂ કર્યા. સાક્ષીઓએ જુબાની આપી કે, આ મહિલા 2011થી સાસરિયામાં રહેતી નથી.ગુજરાત હાઇકોર્ટે સુનાવણીમાં કહ્યું કે, પત્નીની તબીબી સ્થિતિ, તેનો વૈવાહિક સંબંધો જાળવવાનો ઈન્કાર અને 12 વર્ષ સુધી સાસરિયાઓથી દૂર રહેવું એ પૂરતાં કારણો છે કે, આ સંબંધો તૂટી ગયા છે.