Mysamachar.in-ગાંધીનગર:
હર ઘર જલ, ઘર ઘર જલ અને નલ સે જલ- આ પ્રકારનો સરકારી પ્રચાર સર્વત્ર સંભળાઈ રહ્યો છે. ઘરે ઘરે લોકોને નળ અને નળ વાટે જળ પૂરૂં પાડવાની યોજના કેન્દ્ર સરકારની છે. કેન્દ્ર આ માટે રાજ્યોને નાણાંની ફાળવણી કરે છે અને આ નાણાંનો ઉપયોગ કરીને મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતો લોકોને ઘરે ઘરે પીવા-વાપરવાનું પાણી પહોંચાડે છે, એવું પ્રચારમાં કહેવામાં આવી રહ્યું છે.
જલજિવન મિશન નામની આ યોજના અંગે વિધાનસભામાં પ્રશ્નોતરી થઈ હતી. તે દરમિયાન વિગતો બહાર આવી કે, કેન્દ્ર સરકારે આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર માટે નાણાંની જે ફાળવણી પાછલાં 3 વર્ષ દરમિયાન કરી તે પૈકી, માત્ર, 10 થી 15 ટકા નાણાં જ ગુજરાત સરકારને આપવામાં આવ્યા છે.
આ યોજનાની અન્ય એક વિગત પણ જાણવા જેવી છે. મંત્રીએ વિધાનસભામાં જણાવ્યું કે, વર્ષ 2021-22 દરમિયાન આ યોજના માટે ગુજરાતમાં રૂ. 2,557.96 કરોડ દિલ્હીથી આવ્યા. વર્ષ 2022-23 દરમિયાન રૂ. 3,590.16 કરોડ આવ્યા. અને, વર્ષ 2023-24 દરમિયાન રૂ. 1,491.26 કરોડ ( 31-12-2023 સુધીમાં) આવ્યા.
રાજ્યમાં આ યોજના પાછળ વર્ષ 2021-22 માં સરકારે રૂ. 2,219.42 કરોડનો ખર્ચ કર્યો. અને, રૂ. 3,385.30 કરોડ ખર્ચ કર્યા વિના પડ્યા રહ્યા. એ જ રીતે, વર્ષ 2022-23 માં રૂ. 3,129.33 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો. અને રૂ. 460.82 કરોડ ખર્ચ થયા વિના પડ્યા રહ્યા. વર્ષ 2023-24 માં 1,349.15 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો અને રૂ. 142.26 કરોડ પડ્યા રહ્યા.
આ યોજના અંતર્ગત ખર્ચ થયા વિના નાણાં શા માટે પડ્યા રહ્યા ? એ પ્રશ્નના ઉત્તરમાં સરકારે કહ્યું, એ નાણાં એ પછીના વર્ષ દરમિયાન ખર્ચ કરવામાં આવે છે. પ્રથમ જેતે વિસ્તાર માટે યોજના મંજૂર કરવામાં આવે છે, કામો આપવામાં આવે છે અને પછી કોન્ટ્રાક્ટર તે કામો વારાફરતી શરૂ કરે છે તે દરમિયાન, જમીન સંપાદનના પ્રશ્નો હોય છે, સ્થાનિક પ્રશ્નો અને મંજૂરીઓ મળવામાં વિલંબ જેવા કારણોથી જેતે વર્ષ દરમિયાન ફાળવાયેલી રકમનો ઉપયોગ થઈ શક્તો નથી, તેથી તે રકમ પછીના વર્ષમાં ખર્ચ કરવા કેરી ફોરવર્ડ કરવામાં આવતી હોય છે.