Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
વડાપ્રધાન યાત્રાધામ બેટદ્વારકા ખાતે નવનિર્મિત સિગ્નેચર બ્રિજનું ઉદઘાટન કરવા ક્યારે આવવાના છે ? એ પ્રશ્ન ઘણાં સમયથી જામનગર સહિત સમગ્ર હાલારમાં ચર્ચાતો હતો, આખરે આ બાબતે દ્વારકા જિલ્લા વહીવટીતંત્રએ સત્તાવાર જાહેરાત કરી દીધી છે. 24 તથા 25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન દ્વારકા મુકામ કરશે.વડાપ્રધાનનો દ્વારકા તથા બેટ દ્વારકાનો આગામી કાર્યક્રમ જાહેર થયો છે. તેઓ 24મી એ રાત્રે દ્વારકા આવી પહોંચશે અને સર્કીટહાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. 25મીએ તેઓ ભગવાન દ્વારકાધીશના દર્શન કરશે અને બેટ દ્વારકા નજીક નવા બનાવાયેલા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત વડાપ્રધાન દ્વારકામાં NDH હાઈસ્કૂલના મેદાનમાં વિશાળ જનમેદનીને સંબોધશે.
વડાપ્રધાનના આ કાર્યક્રમ માટે ગુજરાત સરકાર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટીતંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. કાલે શુક્રવારે સાંજે દ્વારકા સર્કીટહાઉસ ખાતે કલેક્ટર જી.ટી.પંડ્યાએ આ તૈયારીઓના ભાગરૂપે એક મિટીંગ યોજી હતી. આ બેઠકમાં ધારાસભ્ય પબુભા માણેક, પ્રાંત અધિકારી ભગોરા, ડીવાયએસપી પરમાર, પાલિકાના ચીફ ઓફિસર ઉદય નસીત ઉપરાંત હોટેલ એસોસિએશન, વેપારી મંડળો તથા સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ વગેરે હાજર રહ્યા હતાં.વડાપ્રધાનના આગમન સમયે સમગ્ર દ્વારકા ક્ષેત્ર એક મહોત્સવ સાથે ઉપસી આવે એવી તૈયારીઓ કરવા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે.
કલેક્ટરે આ બેઠકમાં વિગતો આપતાં જણાવ્યું હતું કે, સમગ્ર દ્વારકા શહેરમાં તમામ સરકારી મિલકતો ઉપરાંત હોટેલો સહિતની ખાનગી ઇમારતોને 24મીની રાત્રિએ ભવ્ય રોશનીથી ડેકોરેટીવ રીતે શણગારવામાં આવશે. જાહેર માર્ગો અને તમામ પ્રવેશદ્વારો પણ શણગારવામાં આવશે. આ જ રીતે સમગ્ર બેટદ્વારકા પણ શણગારવામાં આવશે.
આજે શનિવારે આ કાર્યક્રમની તૈયારીઓના ભાગરૂપે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના સચિવ તથા ગાંધીનગરથી અન્ય અધિકારીઓ સુચારૂ વ્યવસ્થા જાળવવા સ્થાનિક તંત્રને માર્ગદર્શન આપવા દ્વારકા પહોંચી રહ્યા છે. આજે સવારથી દ્વારકા શહેરમાં રખડતાં પશુઓને અન્યત્ર ખસેડવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરમાં વિશેષ સફાઈ ઝુંબેશ માટે બહારથી પણ સફાઈકર્મીઓને દ્વારકા લાવવા તૈયારીઓ થઇ રહી છે. આ સાથે જ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેના માર્ગદર્શન મુજબ, શહેર અને પંથકમાં વિશેષ સુરક્ષાલક્ષી કામગીરીઓ હાથ ધરવામાં આવી છે.