Mysamachar.in-અમદાવાદ:
છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતીઓને પણ વિદેશ સ્થાયી થવાનું અને વિદેશ ફરવા જવાનું એક ગજબ ઘેલું લાગ્યું છે, જેને કારણે પાસપોર્ટ ધરાવતા નાગરિકોની સંખ્યા સતત ને સતત વધી રહી છે, વિદેશ જવું હોય તેને માટે પાસપોર્ટ ફરજીયાત છે, ત્યારે તાજેતરમાં જ રાજ્યસભામાં રજુ થયેલ આંકડાઓમાં આ મામલે ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે છે.
આંકડાઓ કહે છે કે 2023માં ગુજરાતમાં 10.21 લાખ નાગરિકોને પાસપોર્ટ ઇશ્યૂ થયા છે, કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપેલી માહિતી મુજબ 2023 સુધી ગુજરાતમાં 62.45 લાખ લોકો માન્ય પાસપોર્ટ ધરાવે છે. જ્યારે દેશમાં સૌથી વધુ કેરળના 98.92 લાખ નાગરિકો માન્ય પાસપોર્ટ ધરાવે છે. આ મામલે ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે છે.
ગુજરાતમાં પાસપોર્ટધારકોમાંથી 40% એટલે કે 24.96 લાખ મહિલા અને 60% એટલે કે 37.48 લાખ પુરુષો છે. વર્ષ 2019થી 2023 દરમિયાન રાજ્યમાં 35.13 લાખ લોકોએ પાસપોર્ટ કઢાવ્યા છે, જે કુલ પાસપોર્ટના 56% છે.વર્ષ વાર ગુજરાતમાં પાસપોર્ટ કઢાવનાર નાગરિકોના આંકડાઓ જોઈએ તો 2019 મા 8,38,068, 2020મા 3,80,582, 2021 મા 5,14,258, 2022 મા 7,59,560 જ્યારે 2023 માં 10,21,350 પાસપોર્ટ ઇસ્યુ થયા છે.