Mysamachar.in:ગાંધીનગર:
સમગ્ર ગુજરાતમાં વર્ષોથી એક સૂત્ર અને નારો ગૂંજે છે ‘ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત’ – આ સૂત્રની પાછળની હકીકત પણ જાણવા જેવી છે, જે ખુદ સરકારના રેકર્ડ પર નોંધાયેલી છે.વિધાનસભામાં એક પ્રશ્નના ઉત્તરમાં સરકારે જાહેર કર્યું કે, રાજયમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં કુલ 13,013 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. રાજયનું શિક્ષણનું બજેટ દર વર્ષે અબજો રૂપિયાનું હોય છે પરંતુ રેકર્ડ પરની હકીકતો કહે છે કે, રાજયની સરકારી શાળાઓમાં માધ્યમિક વિભાગમાં 1,057 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 1,287 જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત બિનસરકારી અનુદાનિત શાળાઓમાં માધ્યમિક વિભાગમાં 5,206 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 5,453 એમ કુલ મળી આ તમામ શાળાઓમાં કુલ 13,013 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે.
કાયમી શિક્ષકોની ભરતી બાબતે સરકારનો શિક્ષણ વિભાગ ઉદાસીન રહે છે. ટેટ-ટાટ પાસ ઉમેદવારો કાયમી શિક્ષકની ભરતીઓ માટે સરકાર સમક્ષ રજૂઆત કરતાં રહેતાં હોય છે. આમ છતાં આટલાં મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી છે. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ 31-12-2023ની સ્થિતિએ શિક્ષકોની ખાલી જગ્યાઓ અંગે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો, જેના જવાબમાં સરકારે આ આંકડાઓ આપ્યા.
-આ પણ જાણવાજોગ હકીકત..
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની માફક પ્રાથમિક શિક્ષણમાં પણ શિક્ષકોની ખાલી જગ્યાઓને કારણે વાલીઓ ત્રાહિમામ્ પોકારી ગયા છે, એક ઉદાહરણ: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામથકે તાલુકાશાળા નંબર 3 ના બિલ્ડીંગમાં સરકાર અંગ્રેજી માધ્યમની કન્યા શાળા ચલાવે છે, આ સ્કૂલમાં 2-3 વર્ષથી સરકાર કવોલિફાઈડ અને પૂરતી સંખ્યામાં શિક્ષકોની ભરતીઓ કરતી નથી, તેથી વાલીઓ અકળાયા છે કેમ કે કન્યાઓનાં શિક્ષણ પર માઠી અસરો પડે છે, હમણાં એવું બન્યું કે, આ સ્કૂલમાંથી પ્રવાસી શિક્ષકો પણ હટાવી લેવાયા છે, નવા શિક્ષકો આવ્યા નથી, બે મહિના બાદ પરીક્ષાઓ છે અને અહીં 200 વિદ્યાર્થીઓ વચ્ચે બે જ શિક્ષક છે. ખંભાળિયામાં જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ પણ આ અંગે અગાઉ રજૂઆત થઈ હતી છતાં સ્થિતિમાં કોઈ ફેરફાર નહીં, અનેકવખત મૌખિક અને લેખિત રજૂઆત કરી થાકેલાં વાલીઓ હાલ ધરણાં પર બેસી ગયા છે, છતાં તંત્ર ઉદાસીન.