Mysamachar.in-રાજકોટ:
જામનગરમાં ઓઈલનો વેપાર કરી રહેલાં એક વેપારીના રેડિયોલોજિસ્ટ પુત્ર વિરુદ્ધ આ પરિવારની પુત્રવધૂએ ત્રાસની ફરિયાદ નોંધાવી છે. આ મહિલા તબીબ છે અને તેણીનું પિયર રાજકોટ હોય, હાલ તેણીએ રાજકોટ વસવાટને કારણે ત્યાંના પોલીસ સ્ટેશનમાં, જામનગર રહેતાં પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.
આ FIR ની વિગતો એવી છે કે, રાજકોટના કાલાવડ રોડ પરના એજી ચોકમાં પ્રદ્યુમન રોયલ હાઈટસમાં, પિયરમાં રહેતી, 29 વર્ષની ચિત્રાલીબહેન નામની તબીબે પોતાના જામનગર રહેતાં પતિ જયપાલ દિલીપભાઈ માખેલા (રહે. માધવ, બી-17 પારસ સોસાયટી-2, જામનગર) વિરુદ્ધ ત્રાસ તથા મારકૂટની ફરિયાદ દાખલ કરાવી છે.
ફરિયાદીએ MBBS(DGO) સુધીનો અભ્યાસ કર્યો છે. 2019માં લગ્ન કર્યા બાદ તેઓ સંયુકત કુટુંબમાં રહેતાં હતાં. પતિ રેડિયોલોજિસ્ટ તરીકે ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. લગ્નના પાંચ દિવસ બાદ હનીમૂન માટે આ કપલ માલદિવ્સ ગયું હતું. ત્યાંથી પરત આવ્યા બાદ, થોડા દિવસ પછી, પતિએ આ મહિલાને બેડ પરથી નીચે પછાડી મારકૂટ કરી હતી, એવી વિગતો ફરિયાદમાં છે.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, પતિએ તેણીને ચડાવેલા 40 તોલા સોનાના દાગીના વેચી નાંખ્યા છે. સાસુ કિડનીની બિમારીથી પથારીવશ છે. ફરિયાદીએ સાસુની ખૂબ સેવા કરી પણ પતિ નાની નાની વાતમાં ખૂબ ટોર્ચર કરતો. અનેકવખત થપ્પડો મારી છે. ગાળે બેસાડતો અને ગાળે ઉઠાવતો. ફરિયાદીએ ફરીથી અભ્યાસ શરૂ કર્યો ત્યારે પતિએ કહી દીધું , અભ્યાસ માટે તારાં પિતા પાસેથી નાણાં લઇ આવ. ફરિયાદીએ ના પાડતાં, ગાળો ભાંડી મારકૂટ કરી હતી.
આખરે ફરિયાદીએ આ બાબતે પોતાના પિતાને વાત કરતાં, પિતાએ રૂ. 20 લાખનો ચેક આપ્યો હતો. 2021માં આ યુગલ કેરળ ફરવા ગયું ત્યારે પણ, પતિએ હોટેલના રૂમમાં પૂરી ફરિયાદીનું માથું દીવાલમાં પછાડી મારકૂટ કરી હતી. જ્યારે પણ આ યુગલને ફરવા જવાનું થતું ત્યારે પતિ ફરવાના નાણાં પત્નીને પિતા પાસેથી લાવવા કહેતો, એમ પણ ફરિયાદ કહે છે.
ફરિયાદીએ વધુમાં જણાવ્યું છે કે, પતિની મહિનાની આવક પાંચ લાખ છે, સસરા ઓઈલનો વેપાર કરે છે, જેની માસિક આવક ચાર લાખ જેટલી છે, 40 વીઘા ખેતીની જમીનની વાર્ષિક આવક ચાલીસેક લાખ જેટલી છે, આમ છતાં પતિ કોઈ પણ વસ્તુ લાવવા પૈસા આપતો ન હતો જેથી કંટાળીને આખરે આ ફરિયાદ નોંધાવી છે.