Mysamachar.in:દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે જિલ્લાની મુખ્ય સરકારી કચેરીઓ તરફ જતા માર્ગ આડે ધરમપુર વિસ્તારમાં અનેક કાચા-પાકા મકાનો ખડકી દેવામાં આવ્યા હોવાથી આ સ્થળે નવા રસ્તાનું નિર્માણ કરવા માટે નડતરરૂપ તમામ દબાણોને તંત્ર દ્વારા ખુલ્લા કરવામાં આવ્યા છે.
ખંભાળિયા શહેર સંલગ્ન આવેલી ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં જિલ્લા કલેકટર કચેરી તરફ જતા કાચા રસ્તામાં માર્ગ નિર્માણ માટે સરકાર દ્વારા બે વર્ષ પૂર્વે મંજૂરી આપવામાં આવી હતી પરંતુ આ રસ્તાની બંને તરફ રહેણાંક મકાનો, દુકાનો તેમજ વંડાઓની દીવાલો ઉભી હોવાથી અહીં રસ્તા નિર્માણનું કામ થઈ શકે તેમ ન હતું. આ બાબતને ધ્યાનમાં લઇ અને તત્કાલીન જિલ્લા કલેકટર અશોકકુમાર શર્મા તેમજ પ્રાંત અધિકારી કેકે. કરમટાની સૂચના મુજબ તાજેતરમાં મામલતદાર વિક્રમ વરુ તેમજ સરકારી તંત્ર દ્વારા નોટિસ સહિતની કાયદાકીય કાર્યવાહી પછી ગત સપ્તાહમાં ઓપરેશન ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસ તંત્રને સાથે રાખીને હાથ ધરવામાં આવેલી દબાણ હટાવ ઝુંબેશ છ દિવસ ચાલી હતી.
આ કામગીરીમાં એવા 89 દબાણો પર સરકારી બુલડોઝર ફરી વળતાં ઠેર ઠેર કાટમાળ જોવા મળી રહ્યા છે. અને હજારો ફૂટ સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. આગામી દિવસોમાં તંત્ર દ્વારા રસ્તા માટેની મંજૂરી તેમજ ટેન્ડરિંગ પ્રક્રિયા બાદ નવા રસ્તા અંગેની કામગીરી હાથ ધરાનાર હોવાનું જાણવા મળ્યું છે. આમ નવા રસ્તા બનાવવા માટેનો માર્ગ “સાફ” થયો છે.