Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
ભારત સરકાર દેશના પ્રત્યેક ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓને નજીકના સ્થળે ધોરણ 10 સુધીનું શિક્ષણ ઉપલબ્ધ બને તે માટે રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન ચલાવે છે, જે અંતર્ગત નાના ગામોની શાળાઓને ધોરણ 9 અને 10 ના વર્ગો શરૂ કરવાની પરવાનગી આપે છે.
અત્યંત આધારભૂત સૂત્રના જણાવ્યા અનુસાર, સરકાર સમગ્ર ગુજરાતના કુલ 316 નાના અને દૂરના ગામોમાં પણ માધ્યમિક શિક્ષણ ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે. આ માટે જે નાના ગામોમાં હાલ ધોરણ 1 થી 8 સુધીની પ્રાથમિક શાળાઓ ચાલી રહી છે, તે બિલ્ડીંગમાં જ, માધ્યમિક શિક્ષણ અંતર્ગત ધોરણ 9 અને ધોરણ 10 ના વર્ગો શરૂ કરવા માટેની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવશે.
એમ માનવામાં આવે છે કે, આગામી શૈક્ષણિક સત્રથી આ નવી વ્યવસ્થાઓ અમલમાં લાવવા શિક્ષકોની નિમણૂંક વગેરે પ્રક્રિયાઓ તુરંતમાં હાથ ધરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત જામનગર જિલ્લાના 31 તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના 17 નાના ગામોમાં આ માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું હોવાનું સૂત્ર જણાવે છે. આમ હાલારના કુલ 48 નાના ગામોના છાત્રોને આ અભિયાન અંતર્ગત, આ લાભ મળી શકશે.