Mysamachar.in-જામનગર:
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે જામનગરના હાપા ખાતે આવેલાં માર્કેટ યાર્ડના 14 ડાયરેક્ટર માટેની રસાકસીભરી ચૂંટણીઓ અંતે આવી પહોંચી, આજે સવારે 9 વાગ્યાથી શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાનનો આરંભ થઈ ચૂક્યો છે, મતદાન સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે, મતગણતરી જો કે આવતીકાલે થશે.
યાર્ડની આ ચૂંટણીનું મતદાન જરૂરી પોલીસ બંદોબસ્ત સાથે આજે સવારથી શરૂ કરવામાં આવ્યું હોવાનું ઈન્ચાર્જ જિલ્લા રજિસ્ટ્રાર એન.ડી. ગોહિલે જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, યાર્ડના ખેડૂત વિભાગમાં 10 બેઠકો પર 17 નેતાઓ ભાગ્ય અને બળ અજમાવી રહ્યા છે, આ વિભાગમાં કુલ મતદારો 760 છે. આ ઉપરાંત 110 મતદારો ધરાવતાં વેપારી વિભાગની 4 બેઠકો પર કુલ 11 વેપારીઓ ચૂંટણી લડી રહ્યા છે. આમ સમગ્ર યાર્ડની કુલ 14 બેઠકો પર કુલ 28 ઉમેદવારો મેદાનમાં છે.

આ મતદાન પ્રક્રિયાઓ સાંજે પાંચ વાગ્યે પૂર્ણ થઈ જશે પરંતુ મતગણતરી આવતીકાલે મંગળવારે સવારે 9 વાગ્યે હાથ ધરવામાં આવશે એમ ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે. સતાધારી પક્ષમાં આ ચૂંટણીને લઈ ભારે ખેંચમખેંચ હજુ પણ ચાલી રહી છે, જેને કારણે પરિણામો અનઅપેક્ષિત પણ આવી શકે છે. ઉમેદવારોમાં પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલના પુત્ર વિપુલ પટેલ, સહકારી ક્ષેત્રના અગ્રણી પ્રવિણસિંહ ઝાલાના પુત્ર જયપાલસિંહ ઝાલા અને આપના જીલ્લા પ્રમુખ વશરામ રાઠોડ પણ મેદાને છે.
