Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દ્વારકા પોલીસે એક આંતરરાજ્ય ગુના નેટવર્ક ઝડપી લીધાંની જાહેરાત કરી છે, આ ગુનામાં કુલ પાંચ શખ્સોની ધરપકડ થઈ છે. આ શખ્સો ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે સંકળાયેલા છે. આ ગેંગમાં ગુજરાતનો એક અર્ધશિક્ષિત શખ્સ પણ સંડોવાયેલો હોવાનું દ્વારકા પોલીસે જાહેર કર્યું છે. આ શખ્સ વડોદરાનો છે.
દ્વારકા પોલીસના જણાવ્યા અનુસાર, વડોદરાના મોનાર્ક મહેશ પટેલ ઉપરાંત આ સાયબર ક્રાઈમમાં કુલ પાંચ શખ્સો ઝડપાઈ ગયા છે. આ શખ્સો પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાની હોટેલોમાં રૂમ બુક કરાવવા માટેની ફેક વેબસાઈટ ચલાવતાં હતાં. આ ઉપરાંત ફેક ગૂગલ એડ્સ પણ ચલાવતાં. અને એ રીતે ગુજરાત તથા રાજ્ય બહારના લોકો સાથે ઓનલાઈન ઠગાઈ કરતાં હતાં. આ ઉપરાંત આ શખ્સો ન્યૂડ વીડિયોઝ મારફતે લોકોને બ્લેકમેલ કરી, ખંડણી પણ ઉઘરાવતા હોવાનું બહાર આવ્યું છે.
આ આખું રેકેટ ચલાવવા માટે આ શખ્સો, ગેરકાયદેસર રીતે મેળવેલા મોબાઈલ સીમકાર્ડનો દુરુપયોગ કરતાં હતાં. આ પ્રકારના સીમકાર્ડ વડોદરાનો મોનાર્ક પટેલ નામનો શખ્સ પૂરાં પાડતો હતો. આ શખ્સ વડોદરાના લાલ દરવાજા નજીક રહે છે અને ભાયલી વિસ્તારમાં, ડી માર્ટ નજીક છત્રી રાખી રોડ પર સીમકાર્ડ વેચતો હતો. આ શખ્સે આ તમામ આરોપીઓ સાથે આ આખું કાવતરૂં પાર પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી. આ ગેંગ દ્વારા જેટલાં સીમકાર્ડનો ઉપયોગ થયો છે તે તમામ સીમકાર્ડ આ મોનાર્ક નામના શખ્સે આપેલાં. અજાણ લોકોના દસ્તાવેજોના આધારે આ તમામ સીમકાર્ડ આ ગેંગે મોનાર્ક પાસેથી મેળવી આ સાયબર ગુનાઓને અંજામ આપ્યો હતો.
દ્વારકા પોલીસે મોનાર્ક પટેલ ઉપરાંત રાજસ્થાનના બે શખ્સો અને મધ્યપ્રદેશના બે શખ્સોની ધરપકડ કરી છે. આ શખ્સો વિરુદ્ધ દ્વારકા, ખંભાળીયા, આણંદ, અંબાજી અને રાજસ્થાનના વિવિધ પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુના દાખલ કરવામાં આવેલાં. આ ગેંગનો એક સાગરિત નીરજ દ્વિવેદી જે મધ્યપ્રદેશનો છે તે બી. ફાર્મ સુધી ભણેલો છે. યુ ટ્યૂબ ચેનલ પર UPSCના ઓનલાઈન ક્લાસ ચલાવે છે. તે વેબસાઈટ ડેવલપ માટેની કંપની પણ ચલાવે છે. અન્ય એક આરોપી BE કોમ્પ્યુટર સાયન્સની ડિગ્રી ધરાવે છે. આ શખ્સોએ 85થી વધુ ફેક ગૂગલ એડ્સ પણ બનાવી છે, ભારતના 50થી વધુ પ્રવાસન અને ધાર્મિક સ્થાનોની વેબસાઈટસ પણ બનાવી છે. જેમાં દ્વારકાનો પણ સમાવેશ થાય છે. દેવભૂમિ દ્વારકા SP નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ, દ્વારકા પોલીસે આ ગેંગને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.