Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2024-25 માટેનું અંદાજપત્ર રજૂ કર્યું. ઘણાં બધાં મહાનુભાવોએ તેઓને અભિનંદન પણ આપ્યા, અભિનંદન એ વાત પર આપવામાં આવ્યા કે, કોઈ નવો વેરો દાખલ કરવામાં આવ્યો નથી અને કોઈ જ હૈયાત વેરામાં વધારો કરવામાં આવ્યો નથી. બજેટ સાથે નજીકથી જોડાયેલા લોકોનો મત અલગ છે. તેઓ ખાનગીમાં કહે છે: લોકસભા ચૂંટણીઓ આવી રહી છે, જેની સ્વાભાવિક અસરો બજેટ પર જોવા મળે જ. અને બીજો મુદ્દો એ પણ છે કે, હાલમાં ગુજરાતના લોકો પાસેથી સરકારને વેરાઓની ચિક્કાર આવકો થાય જ છે, વેરાઓમાં વધારો કરવાની જગ્યાઓ બચી જ નથી અને નવો વેરો લાદવાનું સાહસ આ સમયે કોણ કરે ?!
બજેટમાં કોઈ પણ પ્રકારના વેરામાં વધારો કરવામાં આવ્યો નથી પરંતુ વર્ષ 2024-25 દરમિયાન સરકારને નાગરિકો પાસેથી વેરાઓની જે આવકો થવાની છે તે આંકડાઓ આ રહ્યા: ગુજરાત સરકાર આગામી નાણાંકીય વર્ષ દરમિયાન નાગરિકો પાસેથી વેચાણવેરા-વેટની આવકો (પેટ્રોલ ડીઝલ વગેરે પરનો ટેક્સ) પેટે રૂ. 34,000 કરોડ પ્રાપ્ત કરશે. જમીન મહેસૂલ પેટે રૂ. 5,510 કરોડની આવક મેળવશે. વર્ષ 2023-24માં આ આવક રૂ. 6,596 કરોડ રહેવાની ધારણા છે. નવા વર્ષમાં આ આવક ઘટશે શા માટે, તેની કોઈ સ્પષ્ટતાઓ કરવામાં આવી નથી.
આ ઉપરાંત સરકાર કેન્દ્રીય કરવેરાઓમાંથી રાજયના હિસ્સા પેટે રૂ. 42,195 કરોડ મેળવશે. આપણે કેન્દ્ર સરકારને પેટ્રોલ ડીઝલ વગેરે ચીજો પર જે વેરાઓ ભરીએ છીએ તેમાંથી પણ ગુજરાત સરકારને કરોડો રૂપિયા આ રીતે મળે છે, ઉપરાંત CGSTમાંથી અબજો રૂપિયાનો હિસ્સો મળે છે. રાજ્ય સરકાર સ્ટેમ્પ ડયૂટીમાંથી રૂ. 16,000 કરોડ પ્રાપ્ત કરશે. વાહનો પરના કરમાંથી અંદાજે 5,600 કરોડ પ્રાપ્ત કરશે. વીજળીવેરામાંથી 12,000 કરોડ જેટલી રકમ મેળવશે. અને અન્ય કરોમાંથી કુલ આશરે 11,000 કરોડની આવક પ્રાપ્ત કરશે. આ નાણાં તથા લોન લઈ લીધેલાં નાણાં ‘વિકાસ’ પાછળ ખર્ચ થશે અને એ રીતે વર્ષ આખરે સરકાર પરનું દેણું વધશે.રાજ્ય પરના દેણાં અંગે અને વધતાં જતાં દેણાં અંગે સરકાર કહે છે: ગુજરાત સરકાર આગામી નાણાંકીય વર્ષ 2024-25 દરમિયાન, વિકાસકામોની ગતિ આગળ વધારવા પોતાની આવકોનાં સ્ત્રોત ઉપરાંત રૂ. 45,000 કરોડનું જાહેર દેણું પણ લેશે.
સરકાર કહે છે: આપણે નિયમો મુજબ હજુ વધુ દેણું લઈ શકીએ છીએ પરંતુ ઓછું દેણું લઈ રહ્યા છીએ. નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવે નાણાંમંત્રીની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું કે, આપણે આપણાં અર્થતંત્રના કદ મુજબ, રૂપિયા 5,50,000 કરોડનું દેણું લઈ શકીએ. પરંતુ આપણે વર્ષ 2023-24 ના અંતે આ દેણું રૂ. 3,77,000 કરોડ રાખી શક્યા છીએ. વર્ષ 2024-25 ના અંતે આ દેણું રૂ. 4,26,000 કરોડ થઈ શકે છે. વર્ષ 2024-25 દરમિયાન ગુજરાતનું ઘરગથ્થુ ઉત્પાદન વધીને રૂ. 24,64,300 કરોડ થઈ શકે છે.