Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત સરકાર દ્વારા દિકરીઓ અને મહિલાલક્ષી અનેકવિધ યોજના અમલી બનાવવામાં આવી છે. જેમાં દિકરીઓ માટેની સરકારની સર્વ શ્રેષ્ઠ યોજના એટલે વ્હાલી દિકરી યોજના… રાજ્ય સરકાર દ્વારા દિકરીઓને સહાય પૂરી પાડવાના ઉદ્દેશ સાથે ઓગસ્ટ ૨૦૧૯માં વ્હાલી દિકરી યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં દિકરીઓને રૂ. 1 લાખ 10 હજારની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને તેમના બેંક ખાતામાં સીધા ત્રણ હપ્તામાં રકમ આપવામાં આવી રહી છે.
ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજ્ય સરકારની વ્હાલી દિકરી યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 3599 અરજીઓ મંજૂર કરવામાં આવી છે.રાજ્ય સરકાર દ્વારા આ યોજના દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવા, દિકરીઓનો શિક્ષણમાં વધારો કરવો, ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવા, અને દિકરીઓ/સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું અને બાળ લગ્ન અટકાવવાનાં ઉદ્દેશ સાથે અમલમાં મુકવામાં આવી છે.
-વ્હાલી દિકરી યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ ક્યાં ક્યાં ?
પ્રથમ હપ્તો: દિકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ.4 હજારની સહાય મળવાપાત્ર થશે.
બીજો હપ્તો:દિકરીઓને નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 6 હજારની સહાય મળવા પાત્ર થશે.
ત્રીજો હપ્તો:આ યોજના હેઠળ જ્યારે દિકરીને 18 વર્ષની ઉંમરે ઉચ્ચકક્ષા શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે ગુજરાત સરકાર દ્વારા એક લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર થશે. આમ વ્હાલી દીકરી યોજના અંતર્ગત રૂ. 1,10,000 ની સહાય મળે છે.
વ્હાલી દિકરી યોજનાનું અરજીપત્રક ‘ગ્રામ કક્ષાએથી ‘આંગણવાડી’ કેન્દ્ર તથા ‘ગ્રામ પંચાયત’ ખાતેથી તાલુકા કક્ષાએથી ‘સંકલિત બાળ વિકાસ અધિકારીની કચેરી(ICDS)’ ખાતેથી તેમજ જિલ્લા કક્ષાએથી ‘મહિલા અને બાળ અધિકારીની કચેરી-’ ખાતેથી વિનામૂલ્યે મળવાપાત્ર છે
-આ યોજનાનો લાભ કોને મળી શકે?
વ્હાલી દીકરી યોજનાનો લાભ મેળવવા માગતા દંપતીની વાર્ષિક આવક મર્યાદા રૂ.૨ લાખથી ઓછી હોવી જોઈએ. તા.02/08/2019 ના રોજ અને ત્યારબાદ જન્મેલી દિકરીઓને આ યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર છે. દંપતીના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. અપવાદરૂપ કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતા વધારે દિકરીઓનો જન્મ થાય અને દંપતીની દિકરીઓની સંખ્યા ત્રણ કરતા વધુ થતી હોય તો પણ તમામ દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 ની જોગવાઈઓ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલા હોય તેવા દંપતીની દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. અને દિકરીના જન્મથી એક વર્ષ સુધી અરજી કરી શકાશે.
-અરજી સાથે રજૂ કરવાના આધાર પુરાવા
– દિકરીનું જન્મનું પ્રમાણપત્ર
– માતા-પિતાના આધાર કાર્ડ
– માતાનું જન્મનું પ્રમાણપત્ર
– માતા-પિતાની સંયુક્ત વાર્ષિક આવકનું પ્રમાણપત્ર (પંચાયત તલાટી/મામલતદાર/તાલુકા વિકાસ અધિકારી / ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવેલ)
– દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મ પ્રમાણપત્ર
– નિયત નમૂનાનું સક્ષમ અધિકારી સમક્ષ કરેલ દંપતિનું સ્વઘોષણા પત્ર
દંપતિના લગ્નનું પ્રમાણપત્ર