Mysamachar.in-ગુજરાત:
સુપ્રિમ કોર્ટમાં છેલ્લા કેટલાંક દિવસોથી સુરત પોલીસનો કેસ ચાલી રહ્યો છે અને રોજ તેમાં નવું અપડેટ આવી રહ્યું છે. આ કેસમાં છેલ્લે એવી દલીલ થઈ કે, ગુજરાતમાં જ્યારે પણ હાઈકોર્ટ કે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન આપવામાં આવતાં હોય છે, ત્યારે ફરિયાદી પક્ષે તપાસ માટે રિમાન્ડ મેળવવાનો હક્ક ખુલ્લો રહે છે તેથી અમુક કેસોમાં આવી ભૂલો થવાની સંભાવનાઓ રહેતી હોય છે. આ કેસમાં પણ એવી જ ભૂલ થઈ હોવાની શકયતાઓ હોય શકે એવી દલીલ થતાં સુપ્રિમ કોર્ટની બેન્ચે બચાવપક્ષની દલીલ વચ્ચે અટકાવીને કહ્યું કે, જો ગુજરાતમાં આવું થતું હોય તો તેમને કાર્યવાહીઓ અંગે તાલીમ આપવી પડશે. આવી પદ્ધતિ પર રોક લગાવવી પડશે, બેન્ચે વધુમાં ટકોર કરતાં એમ પણ કહ્યું કે, આવા કેસમાં મેજિસ્ટ્રેટને પણ તાલીમ આપવી જોઈએ. અમદાવાદમાં તાલીમ માટે સુંદર એકેડમી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ કેસમાં આરોપીના આગોતરા જામીન સુપ્રિમ કોર્ટમાં મંજૂર થયેલાં આમ છતાં પોલીસે આરોપીના 14 દિવસના રિમાન્ડ માંગતા, સુરતની કોર્ટે આ રિમાન્ડ મંજૂર કર્યા હતાં. જે અનુસંધાને પોલીસ સહિતના પક્ષકારો વિરુદ્ધ અદાલતી હુકમના તિરસ્કારની પિટિશન સુપ્રિમ કોર્ટમાં દાખલ થયેલી.
આ તકે સુપ્રિમ કોર્ટે એમ પણ કહ્યું કે, ખાસ કરીને ગુજરાત હાઇકોર્ટ CrPCની સેકશન-438 હેઠળ કરવામાં આવેલાં જામીનના ઓર્ડરમાં મેરીટસ કે તારણો આપ્યા સિવાય રૂટીનલી જામીન ઓર્ડર કરે છે, આ તકે આ ટકોરની પણ નોંધ લેવામાં આવી છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, આ અગાઉ સુપ્રિમ કોર્ટ દ્વારા આ પ્રકરણમાં સુરત પોલીસને પણ આકરી ટકોર કરવામાં આવી હતી.





