Mysamachar.in-રાજકોટ:
ક્યારેક સમાજમાં એવા કિસ્સાઓ સામે આવે છે જે હૈયું હચમચાવી નાખે છે એક 9 માસના પોતાના સંતાનને માતા ઉની આંચ ના આવવા દે તે માતા પોતાની જ પુત્રીને એસીડ પીવડાવીને પોતે પણ મોતને વ્હાલું કરે તે ઘટના જ હચમચાવી દે તેવી છે, રાજકોટના ઉપલેટા નજીક બનેલ આ ઘટનાએ સમગ્ર સૌરાષ્ટ્રમાં ચક્ચાર મચાવી છે.આ અંગેની મળતી વિગતો એવી છે કે…
આ ઘટનામાં ફરિયાદી જગાભાઈ ગાંડાભાઈ મકવાણાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું ઉપલેટાના ભીમોરા ગામે રહી મજૂરી કામ કરું છું. મારે સંતાનમા એક દીકરી છે જેની ઉંમર 9 માસની છે. મારા લગ્ન મઘરવાડા ગામે રહેતા ધનાભાઈ નારણભાઈ જાપડાની દીકરી મનિષા સાથે આજથી 2 વર્ષથી અમારી જ્ઞાતિના રીત રીવાજ મુજબ થયેલ હતા.
તેમણે ફરિયાદમાં વધુ જણાવ્યું કે, મારા માતા મુરીબેન તથા મારો નાનો ભાઈ જીવાભાઈ એમ ત્રણેય અમે વાડી ભાગયું રાખી ખેતીકામ કરતા હતા. ત્યારે બપોરના 3 વાગ્યે મારી પત્ની મનિષાનો ફોન આવ્યો હતો અને મને વાત કરી કે, મેં એસિડ પી લીધું છે, તમે ઘરે આવો. આથી અમે ત્રણેય મારું બાઈક લઈ અમારા ઘરે આવ્યા હતા અને જોયું તો અમારા ઘરે રૂમમાં મારી પત્ની ગાદલા ઉપર આળોટતી હતી અને ઉલટીઓ કરતી હતી. તેમજ મારી દીકરી ધાર્મી પણ ઉલટીઓ કરતી હતી. તેમના મોઢા ઉપર ફીણ આવી ગયા હતા. આ બનાવ અંગે મારી પત્નીને પૂછતા તે બોલી શકતી નહોતી. જેથી મેં મારા મામા જગાભાઈ જાદવને ફોન કરી બનાવની જાણ કરી તેની ફોરવ્હિલ લઈ આવવા જાણ કરતા તે આવી ગયા હતા. જેમાં મારી પત્ની તથા દીકરીને બેસાડી ઉપલેટા ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા.
જોકે, સારવાર દરમિયાન મારી પત્નીનું મોત થયું હતું અને મારી દીકરી ધાર્મીની તબિયત વધારે ગંભીર થતા તેને મારા મોટાભાઈ રામભાઈ ઘેલાભાઇ મકવાણા રાજકોટ સરકારી દવાખાને સારવારમાં લઈ ગયા છે. હાલ મારી દીકરીની સારવાર ચાલુ છે અને મારી પત્ની મનિષા કોઈ કારણે આવેશમાં આવી અમારા ઘરે એકલી હોય તે સમય દરમિયાન પોતે જાતેથી એસિડ પી મારી દીકરી ધાર્મીને પણ મારી નાખવાના ઇરાદે એસિડ પીવડાવી પોતે મરણ ગયેલ તો મારી પત્ની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવું છું.હાલ ઉપલેટા પોલીસે મહિલાના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. જોકે, આ અંગે આપઘાતનું ચોક્કસ કારણ પરિવારજનો જાણતા ન હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.