Mysamachar.in-વડોદરા:
જયારે પણ કોઈ ગોઝારી ઘટનાઓ બને છે, સૌને અચાનક ડહાપણની દાઢ ઉગી જાય છે, ઘણી બધી મીઠડી અને ઉંચી, મોટી વાતો થતી રહે છે, શોક અને દુઃખ વ્યક્ત થતાં રહે છે, સહાયો જાહેર થતી રહે છે, તાકીદની વિઝિટ થતી રહે છે, SITની રચનાઓ થતી રહે છે અને આક્રોશ વ્યકત થતાં રહે છે. તસવીરો પ્રગટ થતી રહે છે, વીડિયોઝ વાયરલ થતાં રહે છે- એવા સમયે ખરો પ્રશ્ન એ છે કે, ગોઝારી દુર્ઘટના બને એ પહેલાંના સમયમાં જવાબદાર સંસ્થાઓ, વ્યક્તિઓ અને અધિકારીઓ તથા ચૂંટાયેલા લોકો સહિત સૌ સંબંધિતો, ગોઝારી દુર્ઘટના ન બને તે માટે કાળજી રાખે છે ?! આ પ્રશ્નનો ઉત્તર કયાંય, કોઈ શોધતું નથી, આ અગમચેતી રાખવામાં આવે તો ગોઝારી ઘટનાઓ બનતી અટકાવી શકાય, પરંતુ આ મુદ્દાઓમાં આપણને રસ નથી, આપણને રોનાધોનાની આદત પડી ગઈ છે. ઉંઘતા ઝડપાઈ જવું આપણને વળગેલો મહારોગ છે.
હોસ્પિટલોમાં આગ લાગતી રહે છે, ICUમાં લાચાર દર્દીઓ આગમાં ભૂંજાતા રહે છે, કોચિંગ ક્લાસમાં છાત્રો આગમાં ઝૂલસાતા રહે છે, પુલ ધડામ દઈને પડે અને સેંકડો જિંદગીઓ પાણીમાં કાયમ માટે ગરકાવ થઈ જાય, ફેકટરીઓમાં અવારનવાર બ્લાસ્ટ થતાં રહે, શ્રમિક પરિવારના મોભીઓ ધડાકામાં ટૂકડા ટૂકડા થઈ વેરાઈ જાય, તરફડીને કાયમ માટે પોઢી જાય અને રસ્તાઓ પર અકસ્માત સમયે મોતની ભયાનક ચિચિયારીઓ દિનરાત પડઘાતી રહે- આમાંની એક પણ બાબત આપણને રેઢિયાળમાંથી સંવેદનશીલ ન બનાવી શકે, આપણી લાલિયાવાડીઓ ચાલતી જ રહે, બીજી દુર્ઘટના બને ત્યાં સુધી !!
કયાંય પણ, કોઈ પણ દુર્ઘટના બનતી અટકાવી શકાય તે માટે કાયદા, નિયમો અને જોગવાઈઓ હોય જ છે, આ બધી બાબતોના પાલન માટે ઈન્સ્પેક્શન ઓથોરિટીઝ હોય જ છે, લોકોને જાગૃત બનાવવા સૌ પ્રયાસો કરે જ છે, છતાં વડોદરા અને મોરબી જેવી દુર્ઘટનાઓ એક પછી એક બનતી રહે છે.
આ બધી બાબતોનો એક અર્થ એ થઈ શકે કે, નાગરિકો તરીકે આપણે જાગૃત નથી અથવા બેદરકાર છીએ, ઈન્સ્પેક્શન અધિકારીઓ ભ્રષ્ટ અને સ્વાર્થી છે, સરકારોને નાગરિકોની ચિંતાઓ નથી, ચૂંટાયેલા લોકોના એજન્ડામાં નાગરિકો નથી, થોડા થોડા સમયે મીડિયાકર્મીઓ લાલબતી ધરતાં હોય છે પરંતુ સૌ જવાબદારો પોતાનામાં વ્યસ્ત રહે છે અને દુર્ઘટનાઓ આકાર લેતી રહે છે !!
ફાયરશાખા, કોર્પોરેશન, પોલીસ, ફેકટરી ઈન્સ્પેક્ટર, જિલ્લા વહીવટીતંત્ર, હોસ્પિટલ તંત્ર, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, RTO વગેરે કેટલાંક તંત્રો એવા છે જેઓ ઘણી બધી વિજિલન્સ બાબતો સાથે સંકળાયેલા હોય છે, તેઓ જાગતાં રહે, નિષ્ઠા સાથે ફરજો બજાવે તો ઘણી સંભવિત દુર્ઘટનાઓ બનતી અટકાવી શકાય- પરંતુ કમનસીબે એમ થતું નથી અને દર વખતે આપણાં સૌના ભાગ્યમાં લખાઈ રહે છે- રાંડયા પછીનું ડહાપણ !!