Mysamachar.in-અમદાવાદ:
ગુજરાત ઘણાં બધાં અર્થમાં વાઈબ્રન્ટ છે, પરંતુ આખા રાજયમાં સૌથી વાઈબ્રન્ટ જગ્યા છે અમદાવાદનું એરપોર્ટ. આ એવું સ્થળ છે જયાં સરેરાશ સપ્તાહમાં એક વખત સોનું સમાચારમાં ચમકે છે. ઓફ ધ રેકર્ડ સમાચાર અને સોનું કેટલું હશે ?! આ એરપોર્ટ પર વારંવાર સોનું ઝડપાઈ રહ્યાના સમાચાર આવી રહ્યા હોય, આ સમાચાર પાછળની હકીકતો ચોંકાવનારી અને બિગ હોય શકે છે, એમ જાણકારો માની રહ્યા છે. આ એરપોર્ટ પર અધિકારીઓ તો ઠીક, પરચૂરણ કર્મચારીઓ પણ સોનું સોનું રમી રહ્યા હોવાનું હવે તો રેકર્ડ પર પણ આવી ગયું છે.
તાજેતરમાં આ એરપોર્ટ પર કામ કરી રહેલાં ગ્રાઉંડ હેન્ડલીંગ સ્ટાફના બે કર્મીઓનું અચાનક ચેકિંગ કરવામાં આવ્યું. એક કર્મચારી પાસેથી સોનાની બે ગીની મળી આવી. એક કર્મચારી પાસેથી સોનાની પેસ્ટ મળી આવી. બાદમાં કસ્ટમ અધિકારીઓએ આ બંને શખ્સોની ખાનગીમાં પૂછપરછ કરી.
આ પૂછપરછ પછી કસ્ટમ અધિકારીઓ એક પ્રવાસી પાસે પહોંચ્યા. આ પ્રવાસી પાસેથી એક કિલો દાણચોરીનું સોનું મળી આવ્યું. કસ્ટમ અધિકારીઓએ આ પ્રકરણમાં કુલ બે ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ ચાલુ છે. આ પ્રકારના સમાચારો દર્શાવે છે કે, અહીં એરપોર્ટ પર દારૂ જૂગારના કેસોની મોડસ ઓપરેન્ડી મુજબ, થોડાં થોડાં સમયે સોનાની દાણચોરીના કેસ રેકર્ડ પર લેવામાં આવી રહ્યા છે અને માત્ર વાહવાહી લૂંટવામાં આવી રહી છે, હકીકત આથી સાવ અલગ પણ હોય શકે છે.