Mysamachar.in-ગાંધીનગર:
જો તમે દારૂ પિવાની પરમિટ કોઈ પણ રીતે મેળવી લો અથવા તમારી પાસે આ પરમિટ છે, તો તમારાં માટે સરકાર હવે, ગિફ્ટ સિટી છૂટછાટ બાદ, એક નવી સુવિધા આપવા તૈયાર છે. હવે તમારે કયાંય લાઈનમાં નહીં ઉભવાનું , સમગ્ર પ્રોસેસ ઓનલાઈન. અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે કે, ગુજરાતમાં જે લોકો આરોગ્ય કારણોસર શરાબ ખરીદવાની અને પિવાની હેલ્થ લીકર પરમિટ ધરાવે છે અથવા આવી નવી પરમિટ મેળવવા ઈચ્છે છે, તેઓની સુવિધા માટે સરકાર એક કદમ આગળ ચાલવા માંગે છે. સરકાર આ પ્રોસેસ ઓનલાઈન કરવાની તૈયારીઓ કરી રહી છે.
હાલની વ્યવસ્થામાં તમારે દારૂની પરમિટ મેળવવી હોય તો, સિવિલ હોસ્પિટલ અને નશાબંધી તથા આબકારી વિભાગની કચેરીઓએ ધક્કા ખાવા પડે છે, ઘણી વખત આ ધક્કાઓ નાગરિકોને માટે વિવિધ પ્રકારની હાલાકીઓ પણ પેદાં કરતાં હોય છે, હવે તેઓ ફિઝિકલી ઓફિસના ધક્કાઓમાંથી બચી શકશે,કેમ કે સરકાર નવી હેલ્થ લીકર પરમિટ તથા પરમિટ રિન્યુઅલ પ્રોસેસ સંપૂર્ણ ઓનલાઈન કરવા ચાહે છે.
પાટનગરના ગિફ્ટ સિટીમાં શરાબબંધીમાં આંશિક છૂટછાટ બાદ, સરકારનું આ દિશામાં આ બીજું મોટું મૂવ છે, જેનાથી હજારો લોકોનું આરોગ્ય જળવાશે. કચેરીએ ધક્કા બચી જશે. પરમિટ સંબંધિત પ્રોસેસ ઓનલાઈન કરી શકાશે. આગામી ચાર પાંચ મહિનાઓ દરમિયાન આ નવી વ્યવસ્થા અમલમાં આવી જશે, એમ માનવામાં આવે છે. ટૂંકમાં, લોકસભા ચૂંટણીઓ બાદ આ નાગરિકોને ઘણી રાહત થઈ જશે.
નશાબંધી અને આબકારી વિભાગના એક ઉચ્ચ અધિકારી કહે છે, નાગરિકો માટે આ મૂવમેન્ટ આવકાર્ય છે. અત્રે ઉલ્લેખનિય છે કે, હાલમાં નશાબંધી અને આબકારી વિભાગમાં રાજ્યમાં મહેકમ પૈકી માત્ર 37 ટકા સ્ટાફ છે. જેને કારણે આ અરજદારોની તકલીફો અપાર છે. કારણ કે, દિવસે દિવસે અરજદારોની સંખ્યા પણ વધી રહી છે. રાજ્યમાં હાલ 52,000 નાગરિકો પાસે આ પરમિટ છે.
આ વિભાગના ડાયરેક્ટર કહે છે, આ વિભાગમાં ઘણી નિમણૂંકોની જરૂરિયાત છે. ઘણાં અધિકારીઓની બઢતી ઘટતાં સ્ટાફને કારણે અટકેલી છે અને એ પણ લાંબા સમયથી. કેમ કે, સ્ટાફની ઘટ લગભગ 63 ટકા જેટલી છે. જેને કારણે હયાત અધિકારીઓ અને કર્મચારીઓ પર ભારે વર્કલોડ રહે છે.
જો કે હાલ આ વિભાગને ડિજિટલ બનાવવામાં આવી રહ્યો છે, લગભગ તો એપ્રિલ-મે દરમિયાન ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ લાગુ પડી જશે. રાજ્યના આગામી બજેટમાં, આ વિભાગની પ્રોસેસ ઓનલાઈન બનાવવા દરખાસ્ત-ભલામણ પણ થશે, એમ કહેવાય છે. આ માટે હાલ આ વિભાગ સરકારના IT વિભાગની નોડલ એજન્સી સાથે સંપર્કમાં છે અને નવી દરખાસ્તને આકાર આપવાની પ્રોસેસ ચાલી રહી હોવાનું આધારભૂત સૂત્ર જણાવી રહ્યા છે.