Mysamachar.in-ગાંધીનગર:
1998ના ઈન્દ્રા સહાનીના કેસના ચુકાદા બાદ, દેશના દરેક રાજ્યમાં કાયમી OBC પંચની રચના ફરજિયાત બની છે, આમ છતાં ગુજરાતમાં અઢી દાયકાથી આ પંચની રચના જ થઈ ન હોય, આખરે મામલો હાઈકોર્ટમાં ઘસડાયો છે અને હાઈકોર્ટ આ મુદ્દે નારાજ પણ છે. ગુજરાતમાં કાયમી OBC પંચની રચનાની માંગ સાથે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ થઈ છે જે અનુસંધાને અદાલતે સરકારને ચાર સપ્તાહનો સમય આપ્યો છે. આ તકે સરકાર તરફથી અદાલત સમક્ષ એવી રજૂઆત થઈ કે, આ પંચમાં જે સભ્યોની નિમણુંક કરવાની છે તેઓના નામની યાદી મુખ્યમંત્રી સમક્ષ પેન્ડિંગ છે.
વિસનગરના ઉમિયા પરિવાર દ્વારા આ અરજી દાખલ થઈ છે. અરજી કહે છે: રાજયમાં 25 વર્ષથી કાયમી OBC પંચની રચના કરવામાં આવી નથી. રાજ્ય સરકારે આ માટે કોઈ જ કાયદો ઘડયો નથી. આ માટે સરકારે કોઈ નીતિનિયમો પણ બનાવ્યા નથી. માત્ર એક ઠરાવના આધારે આટલાં વર્ષથી હંગામી પંચ ચલાવવામાં આવી રહ્યું છે.
કાયમી OBC કમિશન ન હોવાને કારણે કઈ જ્ઞાતિનો OBCમાં સમાવેશ કરવો એ અંગેની કામગીરીઓ યોગ્ય રીતે થઈ શકતી નથી, અરજીમાં આગળ કહેવાયું છે કે, આ કારણથી રાજ્યની અનામત નીતિ પણ પ્રભાવિત થઈ રહી છે. તેથી કાયમી પંચ બનાવવા સરકારે હાલના હંગામી પંચને રદબાતલ કરવા આદેશ આપવો જોઇએ.
આ કેસની અગાઉની સુનાવણી દરમિયાન અદાલતે સરકારના વલણ સામે નારાજગી પણ દર્શાવી હતી. અને OBC પંચમાં શા માટે એક જ સભ્ય છે ? શા માટે સમગ્ર માળખાનું ગઠન કરવામાં આવ્યું નથી? એવો વેધક પ્રશ્ન પણ અદાલતે સરકારને પૂછી, ગંભીર ટકોર કરી હતી કે, આ પંચની કાર્યવાહીઓ વિસ્તૃત અને વિશિષ્ટ છે. સમયાંતરે OBCમાં સમાવિષ્ટ અને સમાવેશ ઈચ્છતી હોય તેવી જ્ઞાતિઓની માંગનું મૂલ્યાંકન પંચે કરવાનું હોય છે. આ પંચનું કામ માત્ર ફરિયાદોનો નિકાલ કરવાનું નથી. નેશનલ કમિશન એક વ્યક્તિથી ચાલતું નથી. પંચ કઈ રીતે કાર્ય કરે છે અને તમે શું કરવા માંગો છો, વગેરે બાબતોની સ્પષ્ટતાઓ કરો, એવી ટકોર અદાલતે સરકારને કરી હતી.
અદાલતે એવી પણ ટકોર કરી હતી કે, શું આ એક સભ્ય દ્વારા ચાલતું કમિશન છે ? સ્ટાફના સભ્યો પંચના સભ્યો કહી શકાય નહીં. તમે ચેરમેનની વાત કરો છો તો બીજા સભ્યો ક્યાં છે ? તેનો અર્થ કે કોઈ બોડી નથી, કોઈ નિષ્ણાંત નથી. સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, નિષ્ણાંત સભ્યો સાથેની એક બોડી હોવી જોઈએ.