Mysamachar.in-ગાંધીનગર:
દરેક જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી શાળાઓની જમીનોની વાસ્તવિક સ્થિતિઓ અને તેમાં પેશકદમી જેવી બાબતો ઘણાં સમયથી, ગૌચરની જમીનોની માફક ચર્ચાઓમાં છે. આ ઉપરાંત મહાનગરપાલિકાઓનાં વિસ્તારોમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓની જમીનોની હાલત પણ મહત્વનો મુદ્દો રહ્યો છે. હવે આ આખો મામલો સમાચારમાં આવ્યો છે.
રાજ્યના એક પૂર્વ સાંસદે મહિનાઓ અગાઉ સરકારને એક વિસ્તૃત પત્ર લખેલો. જેમાં તેઓએ માંગ કરેલી કે, તમામ સરકારી શિક્ષણ સંસ્થાઓની જમીનોની હદ દિશા નવેસરથી નક્કી કરી, આ જમીનોની સ્થિતિઓ ચકાસવી આવશ્યક છે. આ પત્ર બાદ શિક્ષણમંત્રી કુબેર ડીંડોર અને શિક્ષણ વિભાગના સચિવે શિક્ષણ વિભાગને આ અંગે સૂચનાઓ પણ આપેલી, પરંતુ વિભાગ આ કામ ભૂલી ગયો અને હવે સૂચનાના 6 માસ બાદ વિભાગને આ કામ યાદ આવ્યું છે.
રાજ્યના શિક્ષણ વિભાગે તમામ જિલ્લાઓનાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને પત્ર લખી આ કાર્યવાહીઓ કરવા કહ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ પૂર્વ સાંસદે શરૂઆતમાં આ માંગ શિક્ષણ વિભાગ સમક્ષ કરેલી, એક રજૂઆતથી કામ ન થતાં ત્રણ વખત રજૂઆત કરેલી, પછી પણ કામ ન થતાં પૂર્વ સાંસદે સીધી જ શિક્ષણમંત્રીને રજૂઆત કરી, મંત્રીએ સૂચના આપી, પછી પણ શિક્ષણ વિભાગે 6 મહિનાઓ સુધી નિંદર માણી, હવે અધિકારીઓ જાગ્યા.
રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં ગ્રામ્ય સ્તરે, તાલુકા સ્તરે અને મહાનગરોમાં પણ શિક્ષણ સંસ્થાઓની જમીનોની સ્થિતિઓ કાયમ ચિંતાનો વિષય રહ્યો છે, તેમાં દબાણો પણ હોય છે, ધંધાર્થીઓ દુરુપયોગ પણ કરતાં હોય છે, ગંદકી પણ હોય છે, ટૂંકમાં સમસ્યાઓ હોય છે. આખરે સુરતના એક પૂર્વ સાંસદે સૌને જગાડયા. અને આવી જમીનોની હદ દિશાઓ નક્કી કરી, આ જમીનો ફરીથી સરકાર કબજે લેવામાં આવે, એવી પણ માંગ કરી.
હવે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની દેખરેખ હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં અને શાસનાધિકારીની દેખરેખ હેઠળ શહેરોમાં, આવી સરકારી જમીનોની સ્થિતિઓ ચકાસવામાં આવશે, દબાણો હશે તો સંબંધિત તંત્રને સાથે રાખી દબાણ દૂર કરવામાં આવશે, જમીનોને ફરતે વાડ અથવા કમ્પાઉન્ડ વોલ કરવામાં આવશે, આ જમીનોને સુરક્ષિત કરવામાં આવશે એમ કહેવાય છે પરંતુ ચિંતાપ્રેરક બાબત એ છે કે, રાજ્યમાં બધી જ જગ્યાએ આ કામગીરીઓ અને કાર્યવાહીઓ અસરકારક રીતે, ઝડપભેર કરવામાં આવશે ?! સૂચનાઓ વિસ્તૃત રીતે આપવામાં આવી છે, જેનું સંપૂર્ણ પાલન થઈ શકે તો સારૂં.