Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક આજે મેયરના અધ્યક્ષપદે યોજાઈ હતી જેમાં જી.જી હોસ્પિટલ સામેની દુકાનોના બહુચર્ચિત અને ઘણાં વર્ષોથી પડતર મામલાને અચાનક હાથ પર લેવાની સાથે-સાથે અન્ય કેટલીક બાબતોને એજન્ડામાં સમાવિષ્ટ કરવામાં આવી હતી. જેમાં રિવાઈઝડ સેટઅપને મંજૂરીનો મુદ્દો તથા પ્રશ્નોતરીનો સમાવેશ થતો હતો.
જનરલ બોર્ડની બેઠકમાં આજે અચાનક 13 વર્ષ બાદ, જીજી હોસ્પિટલ સામેની દુકાનોનો વિવાદી મુદ્દો શાસકપક્ષ દ્વારા કોઈ કારણસર એજન્ડામાં સામેલ કરી દેવામાં આવતાં ઘણાં સભ્યોને અચરજ થયું પરંતુ બેઠકમાં આ ગતિવિધિઓ શા માટે અચાનક થઈ ? તેની કોઈ સ્પષ્ટતાઓ થઈ ન હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, આ મામલો 11 વર્ષ સુધી પડતર રાખવામાં આવ્યો હતો. આટલાં વર્ષોથી હોસ્પિટલ વિસ્તારમાં દર્દીઓના પરિવારજનો ટ્રાફિક અને ટ્રાફિકજામની સમસ્યાઓથી પરેશાન થઈ રહ્યા છે. અને ભૂતકાળમાં મહાનગરપાલિકાએ અહીં દર્દીઓના પરિવારજનોની મુશ્કેલીઓ નિવારવા ફૂટ ઓવરબ્રિજની ‘હવાઈ’ યોજના પણ જાહેર કરી હતી, તાળીઓ ઉઘરાવી હતી, જે યોજના પાછલાં અગિયાર વર્ષથી જમીન પર આવી નથી.આ મુદ્દો શાશકપક્ષના સભ્ય જયેન્દ્રસિંહ ઝાલાએ પણ ઉઠાવ્યો હતો
ત્યારબાદ આજે આટલાં વર્ષ પછી ફરીથી આ મુદ્દાને, લોકસભા ચૂંટણીઓ અગાઉ સજીવન કરવામાં આવ્યો છે. અને હવે કોર્પોરેશને નવી વાત માંડી છે કે, આ રસ્તાને પહોળો કરવામાં આવશે. (આટલાં વર્ષ સુધી આ માર્ગને શા માટે સાંકડો રાખવામાં આવ્યો ?) દુકાનોને પાછળ ખસેડવામાં આવશે. આ પાછળની જગ્યા ગુલાબકુંવરબા આયુર્વેદિક સોસાયટીની છે. અહીં હાલ રોડ પર, 36 દુકાનો એક શટરની છે અને 7 દુકાનો ડબલ શટરની છે.
આ મુદ્દાની બેઠકમાં ચર્ચાઓ દરમિયાન અધિકારીએ એમ પણ સ્વીકાર કર્યો કે, આ દુકાનો મામલે ચેરિટી કમિશનર કચેરીમાંથી કોઈ જ NOC હજુ સુધી લેવામાં આવ્યું નથી. જો કે બોર્ડમાં એમ જાહેર કરવામાં આવ્યું કે, ફાઈનલ MoU થશે એ અગાઉ બધી જ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવામાં આવશે. આ સમયે એમ પણ સ્પષ્ટ થયું કે, હાલની દુકાનો પાડી નવી દુકાનો અમુક ફૂટ પાછળ બનાવવામાં આવશે અને એ દુકાનો પર સામાજિક પ્રસંગો માટે હોલ બનાવવામાં આવશે.(ફૂટ ઓવર બ્રિજની વર્ષો અગાઉની હવાઈ યોજના કચરાપેટીમાં પધરાવી દીધી ?!)
જનરલ બોર્ડની આ બેઠકમાં હોસ્પિટલ સામેની દુકાનોના મુદ્દા ઉપરાંત, રિવાઈઝડ સેટઅપ અને ભરતીઓ અંગે પણ ચર્ચાઓ થઈ. આ ચર્ચાઓ દરમિયાન નેતા વિપક્ષ ધવલ નંદાએ એમ કહ્યું કે, 10-10 વર્ષથી કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ કામ કરે છે, તેઓને કાયમી શા માટે ન કરી શકાય ? આ તકે DMC યોગીરાજસિંહ ગોહિલે એમ કહ્યું કે, ભરતી પ્રક્રિયાઓ માટે કોર્ટના રૂલીંગ છે, ભરતીઓમાં સમાન તક મળવી જોઈએ એવો અદાલતનો નિર્દશ છે, તે પ્રમાણે ચાલવું પડે. જો કે, આમ છતાં કોઈ વચલો રસ્તો નીકળી શકે કે કેમ ? તે અંગે પણ વિચારણાઓ કરવામાં આવી રહી છે.
આ ચર્ચાઓ દરમિયાન વિપક્ષના સભ્ય અલ્તાફ ખફીએ એમ જણાવ્યું કે, એક અધિકારી જે કોમ્પ્યુટર ઈજનેર છે છતાં તેઓને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, એસ્ટેટ શાખા અને પર્યાવરણના વિભાગોના ચાર્જ આપવામાં આવ્યા છે, કેમ ?! આ ઉપરાંત એમણે એમ પણ કહ્યું કે, આપણી પાસે પર્યાવરણ ઈજનેર નથી, તેની ભરતી કરવી જોઈએ. આ ઉપરાંત દર વર્ષે રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવું જોઈએ, જે થતું નથી. જેના જવાબમાં DMC એ કહ્યું: હવે નવું સેટઅપ મંજૂર થઈ ગયું છે, બધી પોસ્ટ ભરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, કોર્પોરેશનમાં માત્ર સ્ટેચ્યુટરી પોસ્ટની નિમણુંકની મંજૂરીઓ સરકારમાંથી લેવાની હોય છે, બાકીની જગ્યાઓ ભરવાની પ્રક્રિયાઓના પાવર જનરલ બોર્ડ પાસે જ હોય છે.
સ્ટેન્ડિંગ ચેરમેન નિલેષ કગથરાએ આ તકે કહ્યું: બધી જ ભરતીઓ તાકીદે થાય તે માટે પ્રયત્નો કરવામાં આવશે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, આજની આ બેઠકમાં રિવાઈઝડ સેટઅપ મંજૂર કરવા માટે લાવવામાં આવ્યું હતું, જે થોડાં દિવસ અગાઉ સ્ટેન્ડિંગ કમિટીએ ભલામણ સાથે જનરલ બોર્ડને મોકલ્યું હતું. આ બેઠકમાં પૂર્વ ડેપ્યુટી મેયર તપન પરમારે કહ્યું કે, કોર્પોરેશનમાં જેતે સમયે કમિશનર દ્વારા સિસ્ટમ એનાલિસ્ટની જગ્યા નાબૂદ કરવામાં આવી હતી. પરંતુ આજની તારીખે આ જગ્યા નાબૂદ કરવામાં આવી નથી, હાલ આ પોસ્ટની કોઈ જરૂરિયાત નથી.
-વરવી વાસ્તવિકતા…!
જામનગર શહેરમાં કરોડોના વિકાસ કામો થાય છે અને નવા કામોની ગુલબાંગો વચ્ચે હવે નવા સેટઅપને મંજુરી મળશે સારી બાબત છે પણ આજની સામાન્ય સભામાં એક પ્રશ્નના ઉત્તરમાં કોર્પોરેશનની એ હકીકત બહાર આવી ગઈ કે, મહાનગરપાલિકામાં હાલ કાયમી કર્મચારીઓ અને અધિકારીઓની સંખ્યા માત્ર 29 ટકા જ છે…ઓ..હો આ ગાડુ ગબડતું નહી પણ ધરારથી ગબડાવવામાં આવી રહ્યું છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નહી કહેવાય..
-સીટી ઈજનેર તરીકે ભાવેશ જાનીને બઢતી આપવાના નિર્ણયને સર્વાનુમતે બહાલી
જામનગર મહાનગરપાલિકામા લાંબો સમય સુધી નાયબ કમિશ્નરના ચાર્જમાં રહેલા અને પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગ સહીત શહેરના મુખ્ય કામોમાં જેની અગ્રીમ ભૂમિકાઓ રહી છે તે ભાવેશ જાનીને સીટી ઈજનેર તરીકે (સ્ટેચ્યુટરી પોસ્ટ) માટેની દરખાસ્ત પણ આજની સામાન્ય સભામાં સર્વાનુમતે કરવામાં આવી, હવે આ નિર્ણય સરકારમાંથી મંજુર થઈને આવશે અને ભાવેશ જાનીને સીટી ઈજનેર તરીકેની પોસ્ટ કાયમી ધોરણે મળશે