Mysamachar.in-અમદાવાદ:
આપણો દેશ વિશાળ છે, વસતિ ફાટફાટ છે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર મર્યાદિત છે અને સરકારી એકમોમાં ભરતીઓ જરૂરી પ્રમાણમાં થતી નથી, આ બધી બાબતોને કારણે લોકોએ ઘણું બધું સહન કરવું પડે છે અને બીજી તરફ સમસ્યાઓની ભરમાર છે. આ પ્રકારની ખામીઓ ન્યાયતંત્રમાં પણ જોવા મળતી હોય છે. રાજય-દેશની વિવિધ અદાલતોમાં પડતર કેસોનો મામલો પણ જૂનો અને જાણીતો છે.
તાજેતરમાં સંસદમાં વિવિધ અદાલતોમાં પડતર કેસો અને નિકાલ થયેલા કેસોના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા. જો કે એમાં ધ્યાન ખેંચે એવી એક બાબત એ છે કે, ગુજરાતની નીચલી અદાલતોમાં પડતર કેસો મામલે સ્થિતિ સુધારા તરફ છે. જ્યારે વડી અદાલતમાં હજુ પણ જરૂરી ઉપાયોના પરિણામો આ સંદર્ભમાં જોવા મળતાં નથી.
દેશના મોટાં રાજ્યોની જિલ્લા અને નીચલી અદાલતોમાં વર્ષ 2014 થી વર્ષ 2023 દરમિયાન પડતર કેસોની સંખ્યામાં લગભગ સરેરાશ 86 ટકા જેટલો વધારો થયો છે. આ વધારો તોતિંગ છે, જે દર્શાવે છે કે- સરકારો અને ન્યાયતંત્ર સ્તરે પડતર કેસોની સંખ્યા ઘટાડવા મામલે અસરકારક કામગીરીઓ થઈ નથી. તેની સામે ગુજરાતમાં સ્થિતિ સારી છે એમ કહી શકાય. કારણ કે, આ સમયગાળા દરમિયાન રાજ્યમાં જિલ્લા અને નીચલી અદાલતોમાં પડતર કેસોની સંખ્યા 28 ટકા જેટલી ઘટી છે.
જો કે ગુજરાતમાં હાઈકોર્ટની વાત કરીએ તો, પડતર કેસોની સંખ્યા ઘટાડવા મામલે સક્રિયતાની આવશ્યકતા દેખાઈ રહી છે. પ્રમાણમાં આ દિશામાં ઓછી સક્રિયતા જોવા મળી રહી છે, પડતર કેસોની સંખ્યા વધી રહી છે. હાઈકોર્ટમાં 2014 માં પડતર કેસોની સંખ્યા 87,000 હતી, આ સંખ્યા દર વર્ષે વધતી વધતી આજે 1.68 લાખના આંકડાને પાર કરી ગઈ છે. જો કે પાછલાં ચાર વર્ષ દરમિયાન 2.13 લાખ કેસોનો નિકાલ પણ થયો છે, તો પણ પડતર કેસોની સંખ્યામાં 9 વર્ષમાં 93 ટકાનો તોતિંગ ઉછાળો આવ્યો છે.
જાણકારોના મતે ગુજરાતમાં હાઈકોર્ટની નવી બે બેન્ચ બનાવવા વિચારવું આવશ્યક છે, દક્ષિણ ગુજરાતના લોકોની સરળતા માટે સુરતમાં અને સૌરાષ્ટ્રના લોકોની સુવિધાઓ માટે રાજકોટમાં બેન્ચ આપવી જોઈએ અને એ રીતે કેસોનું ભારણ ઘટાડી શકાય, અને એ પણ ઉલ્લેખનિય છે કે- રાજકોટમાં બેન્ચની માંગ દાયકાઓ જૂની હોવા છતાં આ માટે રાજકીય ઈચ્છાશક્તિ જોવા મળી નથી.