Mysamachar.in-અમદાવાદ:
જબરદસ્ત ગ્રોથના કારણે લોકોના વોલેટ અને તિજોરીઓ નાણાંથી ફાટફાટ થઈ રહ્યા છે પરંતુ ચિંતાપ્રેરક બાબત એ છે કે, ગુજરાતીઓના દિલ પર મોટું જોખમ છે અને આ આફત ખૂબ વધવા પામી છે. ખુદ 108 પણ cardiac emergency મામલે ચોંકી ઉઠી છે કારણ કે, પાછલાં 16 વર્ષ દરમિયાન સૌથી મોટો આંકડો 2023માં નોંધાયો છે. 108 ઈમરજન્સીનું સંચાલન કરતી કંપની EMRI જણાવે છે: પાછલાં 16 વર્ષ દરમિયાન 2023માં cardiac emergency મામલે મળેલાં કુલ કોલની સંખ્યા સૌથી મોટી અને બહુ મોટી છે, વર્ષ દરમિયાન દર 7.5 મિનિટે આ માટેનો કોલ નોંધાયો છે.
બીજી તરફ એ પણ હકીકત છે કે, હાર્ટએટેકથી થતાં મોત પણ ઘણાં સમયથી ચર્ચાઓમાં છે. લોકોના હ્રદય પર આટલો બધો ભાર શું છે ?! કે પછી, આપણી હાલની લાઈફ સ્ટાઈલ આ મામલે કારણભૂત છે ?! કે, કોરોના બાદ આપણાં શરીર, ખાસ કરીને ફેફસાં અને હ્રદય નબળાં પડી ગયા છે ?! વિવિધ પ્રકારના અનુમાનોની વ્યાપક ચર્ચાઓ થઈ રહી છે.
આંકડાઓ કહે છે: 2023માં cardiac emergency ના કેસોની સંખ્યા અમદાવાદમાં તોતિંગ રહી. અને સૌરાષ્ટ્રમાં રાજકોટવાસીઓએ ચેતી જવાની જરૂરિયાત છે. અહીં લોકોના દિલ પર મોટું જોખમ છે, આ જોખમ ચિંતાજનક રીતે 42 ટકાનો રાક્ષસી ઉછાળો દેખાડે છે. વડોદરા જેવા મોટા અને આધુનિક તથા અતિ વ્યસ્ત શહેર કરતાં, વડોદરાથી નાના રાજકોટમાં cardiac emergency વધી ચૂકી છે. સુરતમાં વસતિના પ્રમાણમાં આ આંકડાઓ નાના છે. સુરતીઓ મોજિલા હોય છે, એટલે.?
2023માં 108 ને cardiac emergency ના કુલ 72,573 કોલ આવ્યા. પાછલાં 16 વર્ષનો આ સૌથી મોટો આંકડો છે અને પાંચ વર્ષ દરમિયાન આ પ્રકારના કોલમાં 35 ટકાનો નોંધપાત્ર વધારો થયો. 2018માં આ કોલની સંખ્યા 53,700 હતી. વધતી વસતિ ધ્યાન પર લો તો પણ, એક વર્ષ દરમિયાન આ પ્રકારના કોલની સંખ્યામાં 29-30 ટકાનો વધારો તો નોંધાય જ છે.
અમદાવાદમાં વર્ષ 2023 દરમિયાન cardiac emergency ના 21,496 કોલ નોંધાયા. દર એક લાખની વસતિદીઠ 298 કોલ, જામનગરનો આ આંકડો 180 છે, પોરબંદરનો આંકડો 199 અને દેવભૂમિ દ્વારકાનો આંકડો પણ જામનગર માફક 180 છે.
રાજકોટમાં વર્ષ દરમિયાન cardiac emergencyના કુલ કોલ 4,910 નોંધાયા જે વડોદરા અને ભાવનગર કરતાં વધુ છે. વડોદરામાં કુલ કોલ 3,618 છે. જે વસતિના પ્રમાણમાં ઘણાં ઓછાં છે. અમદાવાદ અને સુરતના આંકડાઓ વચ્ચે તોતિંગ તફાવત છે. સુરતમાં જો કે આ પ્રકારના કોલની સંખ્યા 31 ટકાના ચિંતાપ્રેરક દરે વધતી જોવા મળી છે. વડોદરામાં પણ આટલો દર જોવા મળે છે. ભાવનગર અને જામનગર તથા પોરબંદર જેવા નાના શહેરોમાં સ્થિતિ પ્રમાણમાં ઓછી ઉપાધિવાળી છે, છતાં હાર્ટએટેકના કેસો સૌને ચિંતાઓ તો કરાવે જ.
અમદાવાદ તથા સુરત સહિતના શહેરોમાં હાર્ટની ખાનગી હોસ્પિટલોમાં પણ હ્રદયના દર્દીઓની સંખ્યા સારી એવી જોવા મળે છે. આ ઉપરાંત બધાં શહેરોમાં તાવના તથા શ્વસન તંત્ર સંબંધિત રોગોની સંખ્યા પણ વધી રહી છે. જો કે પ્રસૂતિ સંબંધિત emergency 2023માં ઓછી રહી એટલે કે 2022ની સરખામણીએ ઘટી. શ્વસન તંત્ર સંબંધિત કેસોમાં 24 ટકાનો અને તાવના કેસોમાં આગલાં વર્ષની સરખામણીએ 29 ટકાનો વધારો જોવા મળે છે. અધિકારીઓ એમ પણ કહે છે કે, 108 એમ્બ્યુલન્સની સંખ્યા પણ વધી હોય, વધુને વધુ લોકો દર્દીઓ તરીકે નોંધાઈ રહ્યા છે, જાગૃતિને કારણે વધુ લોકો આ સેવાનો લાભ લઈ રહ્યા છે. 2023માં 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા 27,000 એવા લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, જેઓએ ઝેરી પ્રવાહી પી લીધું હોય, જામનગર જિલ્લાના લોકો 108 નો વ્યાપક ઉપયોગ કરે છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતના મોટાં શહેરોમાં પાછલાં પાંચ વર્ષ દરમિયાન cardiac emergency ઘણી વધી ગઈ છે.