Mysamachar.in-અમદાવાદ:
ખાદ્ય પદાર્થ અને પીણાંઓ એવી બાબતો છે જે આપણાં સૌના આરોગ્ય સાથે સીધી જ સંકળાયેલી બાબતો છે અને એક અર્થમાં તો, આ બાબતો ઘણાં કિસ્સાઓમાં માણસની જિંદગી સામે પણ જોખમો સર્જતી હોય છે, આમ છતાં આપણે ત્યાં આ બાબતોને યોગ્ય ગંભીરતાથી જોવામાં આવતી નથી, લોકોની તથા તંત્રોની આ બાબતે સતર્કતા પણ પ્રમાણમાં ઓછી હોય, કાયમ આ મુદ્દે આપણાં આરોગ્ય પર તલવાર લટકતી જ રહે છે, આપણે વેળાસર આ મુદ્દે જાગી જવાની આવશ્યકતા છે, એમ કહેવું વધુ ઉચિત લેખાશે.
સરકારના આ અંગેના આંકડાઓ જાહેર થતાં રહે છે તેમાં આપણી નિષ્ફળતા છતી થતી હોય છે, તો પણ આ ચિંતાપ્રેરક બાબતમાં સુધારાઓ અમલમાં આવતાં નથી, એ કેવડું મોટું અચરજ.?! દાખલા તરીકે જામનગરની જ વાત કરીએ તો, ખાદ્ય પદાર્થોની શુદ્ધતા કાયમ શંકાઓના પરિઘમાં હોવા છતાં, જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા આ મુદ્દે અસરકારક નથી. તંત્ર સંબંધિતોને માત્ર સૂચનાઓ આપતું રહે છે, કયારેક નમૂનાઓ પણ લ્યે પરંતુ નમૂનાઓ લોકો માટે નુકસાનકારક છે એવું તો જવલ્લે જ જાહેર થાય, બાકીના કેસોમાં સબ સલામતના ગીતડાં ગવાતા રહે છે. ફૂડ શાખામાં પૂરતો સ્ટાફ પણ ફાળવવામાં આવતો નથી અને આટલાં આધુનિક જમાનામાં પણ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા તપાસવા જામનગર મહાનગરપાલિકા પાસે કાયમી લેબોરેટરી તો ઠીક, મોબાઈલ લેબોરેટરી પણ નથી. માત્ર ઉપરછલ્લી કામગીરીઓના દેખાડાં થઈ રહ્યા છે અને બધું જ રામભરોસે ચાલી રહ્યું છે.
સમગ્ર રાજયમાં પણ આ ક્ષેત્રમાં ઉદાસીનતા અને શિથિલતા જોવા મળી રહી છે. જે ચિંતાપ્રેરક મુદ્દો છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં ખોરાકી ઝેર એટલે કે ફૂડ પોઈઝનિંગના બનાવો પણ અવારનવાર બનતાં હોવા છતાં કયાંય અસરકારકતા દેખાતી નથી. ખાદ્ય પદાર્થના નમૂનાઓ ધડાધડ લેવામાં આવતાં નથી, તપાસો ઓછાં કેસમાં થાય છે અને તપાસ બાદ પગલાંઓ તો સાવ જૂજ કેસોમાં લેવાતાં હોય છે. આ હાલતમાં ભેળસેળિયા તત્વો મોજ માણતાં રહે છે. અને કરોડો લોકોના આરોગ્ય સામે ચિંતાઓ નાચતી રહે છે.
સરકારે લોકસભામાં જાહેર કરેલાં કેટલાંક આંકડાઓ ગંભીર છે અને આપણી કડવી હકીકતો ઉજાગર કરે છે. દાખલા તરીકે, વર્ષ 2020-21માં ગુજરાતમાં તંત્રોએ કુલ 13,284 નમૂનાઓની તપાસણી કરી, તેમાંથી 1,056 નમૂનાઓ ફેલ સાબિત થયા, જે પૈકી 899 નમૂનાઓ મામલે સિવિલ કેસ થયા, તેમાંથી 543 કેસોમાં નિર્ણય આવ્યા, અને 41 ફોજદારી કેસ નોંધવામાં આવ્યા, આ 41 પૈકી 11 કેસમાં જ નિવેડો આવ્યો.
વર્ષ 2021-22માં રાજ્યમાં 13,663 નમૂનાઓ તપાસવામાં આવ્યા. જે પૈકી 757 કેસોમાં વાત થોડી આગળ વધી. આગલાં વર્ષના 67 કેસોનો અભ્યાસ આ વર્ષમાં કરવામાં આવ્યો. 668 કેસો નિર્ણાયક તબક્કે પહોંચી શક્યા, જેમાં અગાઉના વર્ષના કેસ પણ હતાં. 79 કેસમાં ફોજદારી ફરિયાદ દાખલ થઈ અને તે પૈકી 14 કેસોમાં ઉકેલ આવ્યો.
વર્ષ 2022-23 માં કુલ 14,562 નમૂનાઓ તપાસવામાં આવ્યા. 2,981 સિવિલ કેસ દાખલ થયા, જે પૈકી 547 કેસમાં નિર્ણય થયો. 48 ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યા. ગત્ ડિસેમ્બરમાં સુરેન્દ્રનગર અને અંકલેશ્વર પંથકમાં આશરે 130 લોકોને ખોરાકી ઝેરની અસરો થઈ. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન, રાજ્યમાં કુલ 41,509 નમૂનાઓની ચકાસણીઓ કરવામાં આવી, જે પૈકી 4,506 કેસમાં સિવિલ અને 168 કેસમાં ફોજદારી ફરિયાદો દાખલ થઈ. કુલ કેસ પૈકી માત્ર 11.2 ટકા કેસમાં કાર્યવાહીઓ થઈ.
રાજયમાં વિવિધ નકલી ખાદ્ય પદાર્થ બેફામ વેચાણ થઈ રહ્યા છે, જે પૈકી કેટલાંક તત્વો ઝડપાઈ પણ જાય છે પરંતુ સરેરાશ નકલી બિઝનેસ કરોડો રૂપિયાનો છે, જેને ભાગ્યે જ આંચ આવતી હોય છે અને તંત્રો પણ 365 દિવસ કાર્યરત રહેતાં ન હોય, આ શિથિલતાનો ગેરલાભ ભેળસેળિયા તત્વો ઉઠાવી રહ્યા છે. ભેળસેળ કરનારાઓ વિરુદ્ધ પુરાવાઓ એકત્ર કરવામાં પણ નોંધપાત્ર સક્રિયતા દેખાતી નથી, અસરકારકતા પણ પ્રમાણમાં અપૂરતી હોય છે, દંડ બહુ ઓછાં શખ્સોને થાય છે, અને લીધેલાં નમૂનાઓના રિપોર્ટ વિલંબથી આવતાં હોય છે અને આ રિપોર્ટ પણ મોટેભાગે સ્પષ્ટ હોતાં નથી.