Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પીવાને લઈને ભારે ચર્ચાઓ ચાલી રહી છે, અને ગીફ્ટસિટીમાં દારૂની છૂટ થઇ હવે રાજ્યના અન્ય ભાગોમાં પણ દારુ માટે છૂટછાટ થશે કે કેમ તે અંગે ચર્ચાઓ ચાલે છે એવામાં ગીફ્ટ સિટીને સાઈડમાં મુકો તો રાજ્યમાં કોને દારૂની પરમીટ જેને રાજ્યમાં હેલ્થ પરમીટ કહેવામાં આવે છે તે મળે તે તમામ સવાલોનો જવાબ આપવાનો અત્રે પ્રયાસ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં આરોગ્યના કારણોસર મેડીકલ બોર્ડની ભલામણ પછી વ્યક્તિને દારૂ પીવાની પરમિટ જેને હેલ્થ પરમીટ કહેવાય છે તે કાઢી આપવામાં આવે છે. ગુજરાતમાં પરમિટ ધારકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં દાયકાઓથી દારૂ પીવાની સાથે, દારૂના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ છે. પરંતુ વિદેશથી આવતા પ્રવાસીઓ સહિત કેટલાક લોકોને પરમીટ લઈને દારૂ પીવાની છૂટ આપવામાં આવે છે.
દારૂની પરમિટ માટે ઓછામાં ઓછી 40 વર્ષની વય હોવી ફરજિયાત છે અને મહિને 25,000ની આવક હોવી ફરજિયાત છે. અરજદારે દારૂની પરમિટ માટે નશાબંધી પોલીસ કચેરીમાં પાસપોર્ટ, પાનકાર્ડ, આધારકાર્ડ, રહેઠાણ તથા ઉંમરના પૂરાવા સાથે જરૂરી ફી ભરવાની રહેશે. ત્યારબાદ આરોગ્ય ચકાસણીની ફી ભરી અરજી કરવાની હોય છે. આરોગ્ય ચકાસણી કર્યા બાદ જો અધિકારીઓને યોગ્ય લાગે તો જ દારૂની પરમિટ આપવામાં આવે છે.
મેડિકલ સર્ટિફિકેટના આધારે દારૂની પરમિટ ધારકોની સંખ્યા ઝડપથી વધી છે. પીટીઆઈના અહેવાલ મુજબ, નવેમ્બર 2020માં ગુજરાતમાં લીકર પરમિટ ધારકોની કુલ સંખ્યા 27,452 હતી, જે હાલ વધીને 43,470 થઈ ગઈ છે. અમદાવાદમાં સૌથી વધુ લીકર પરમિટ આપવામાં આવી છે. સરકારી આંકડા મુજબ ગુજરાતમાં સૌથી વધુ 13,456 લીકર પરમિટ અમદાવાદ જિલ્લામાં આપવામાં આવી છે. ત્યારબાદ સુરતમાં 9238, રાજકોટમાં 4502, વડોદરામાં 2743, જામનગરમાં 2039, ગાંધીનગરમાં 1851 અને પોરબંદરમાં 1700 લીકર પરમિટ આપવામાં આવી છે,.
કોઈ વ્યક્તિ પાસે પરમિટ આવી જાય પછી સરકારે મંજૂરી આપેલી દારૂની શોપમાંથી દારૂ ખરીદી શકાય છે જ્યાં તમને પરમિટના આધારે એટલે કે જો તમારી ઉંમર 40થી 50 વર્ષ હોય તો તમને 3 યુનિટનો દારૂ મળશે, 50થી 65 વર્ષ સુધીની હોય તો 4 યુનિટ અને 65 વર્ષથી વધુ વયના લોકોને 5 યુનિટનો દારૂનો જથ્થો મળશે. તમને જણાવી દઇએ કે એક યુનિટમાં 1 બોટલ દારૂ અથવા 10 બોટલ બીયરનો જથ્થો મળે. દર મહિને નક્કી કરાયેલા યુનિટ પ્રમાણે જ દારૂ આપવામાં આવે છે. પરમીટ આપવાના અલગ અલગ 7 પ્રકારો છે તેમાં જે રીતે જરૂરિયાત હોય તે મુજબ સ્થાનિક નશાબંધી વિભાગ પરમીટ ઇસ્યુ કરે છે.