Mysamachar.in-અમદાવાદ:
જામનગર સહિત સમગ્ર રાજયમાં ઘણાં મહિનાઓ અગાઉ સરકારે જંત્રીના દરો બમણાં કરતો નિર્ણય અમલમાં મૂકયા બાદ ઘણાં લોકોએ તથા સંસ્થાઓએ આ નિર્ણયને અયોગ્ય લેખાવી હાઈકોર્ટમાં કાનૂની પડકાર આપ્યો હતો, જે અનુસંધાને સરકારે અદાલતમાં સોગંદનામું દાખલ કરી જવાબ આપ્યો છે કે, આ નિર્ણય જનહિતમાં છે, કાયદાકીય રીતે યોગ્ય છે અને એમાં કાંઈ ખોટું થયું નથી.
સરકારે જમીનો અને મિલકતોના જંત્રીના દરો બમણાં કરતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું ત્યારે ઘણાં લોકોને તથા સંસ્થાઓને એ ગમ્યું ન હતું. વિવાદો પણ થયા હતાં. આ જાહેરનામાને કાનૂની પડકાર આપતી પિટિશન પણ હાઈકોર્ટમાં દાખલ થઈ હતી. જેના અનુસંધાને થયેલી સુનાવણીમાં સરકાર પક્ષે અદાલતમાં કહેવાયું છે કે, વિવિધ સંગઠનો, મંડળો અને લોકોની રજૂઆતો મળેલી, તેનો અભ્યાસ કર્યા બાદ સરકારે ગુજરાત સ્ટેમ્પ રૂલ્સની રૂલ-5(4) અન્વયે કાયદાનુસાર જ આ ફેરફાર અમલમાં મૂક્યો છે અને તેમાં કાંઈ ખોટું થયું નથી.
સરકારે અદાલતમાં એમ પણ કહ્યું કે, અરજદાર એસોસિએશનને આ અરજી કરવાનો અધિકાર જ નથી. અરજદારે જે મુદ્દાઓ ઉઠાવ્યા છે,તે જાહેર હિતના છે તેથી અરજદારે જાહેર હિતની અરજી દાખલ કરવી જોઈએ. હાલની અરજી ટકી શકે એમ નથી. આ રજૂઆત સાંભળી લીધાં બાદ અદાલતે આ મામલાની હવે પછીની સુનાવણી જાન્યુઆરી મહિનાના ત્રીજા સપ્તાહમાં નિશ્ચિત કરી છે.
-પિટિશનમાં આ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતાં..
અરજદારે આ પિટિશનમાં જણાવ્યું હતું કે, સરકારે 2023ની 4 ફેબ્રુઆરીએ ઠરાવ બહાર પાડ્યો હતો અને ગુજરાત સ્ટેમ્પ (સંપતિના બજાર મૂલ્યના નિર્ધારણ) નિયમો-1984ની જોગવાઈનો અમલ કર્યો હતો. ગુજરાત સ્ટેમ્પ એક્ટ, 1958 અને 1984ના સ્ટેમ્પ નિયમોની જોગવાઈઓનું સંપૂર્ણ ઉલ્લંઘન કરીને જંત્રીના નવા દરો નક્કી કરવામાં આવ્યા છે. આ દરો 2011ની જંત્રીના દરોની સરખામણીએ નક્કી કરવામાં આવ્યા છે. સરકારે ખુદ પોતાના કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. સરકારે વર્ષ 2016માં જંત્રી દરોના વાર્ષિક સ્ટેટમેન્ટ અને તેની પ્રક્રિયાઓ નક્કી કરતું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જો કે, તેનો બિલકુલ અમલ થયો નથી. અને તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્ટેમ્પ નિયમો-1984 માં રૂલ-5(4) હેઠળ કોઈ પણ પ્રકારનો માર્કેટ વેલ્યૂનો સર્વે કર્યા વિના, મિલકતો કે જમીનોની બજાર સ્થિતિ કે વાસ્તવિક સ્થિતિઓ ચકાસ્યા વગર તેમજ અન્ય સંબંધિત પાસાંઓ ધ્યાનમાં લીધાં વિના બારોબાર જ વર્ષ 2011ના જંત્રી દરથી દરો બમણાં કરી દેવાયા છે.