Mysamachar.in-ગાંધીનગર:
કાયદાનો ડર દેખાડી સામાન્ય લોકોને દબડાવવામાં આવતાં હોય છે અને આરોપીઓ તથા ફરિયાદીઓને વિવિધ લાભો અપાવી દેવાની આકર્ષક ઓફરો પણ થતી રહેતી હોય છે, આ પ્રકારની ઘણી બધી બાબતોને લઈને પોલીસ વિભાગમાં લાંચ લેવા અને આપવાની બાબત રોજિંદી બની ગઈ હોવાની લોકોની માન્યતાને સમર્થન આપતાં આંકડાઓ ખુદ સરકારના જ એક વિભાગ દ્વારા જાહેર થયા છે.
રાજ્યના લાંચ રૂશવત વિરોધી વિભાગના પાછલાં પાંચ વર્ષના આંકડાઓ કહે છે કે, લાંચ લેવાની બાબતમાં સરકારનો કોઈ પણ વિભાગ પોલીસની બરાબરી કરી શકતો નથી, પોલીસ વિભાગે આ બાબતમાં પાંચ વર્ષથી નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું છે. લાંચ બાબતની ફરિયાદો પોલીસ વિરુદ્ધ વધુ પ્રમાણમાં થતી જોવા મળે છે. અને તેથી આ વિભાગમાં લાંચિયાઓ ઝડપાઈ જવાના કેસો પણ વધુ બહાર આવી રહ્યા છે.
અગાઉના વર્ષોમાં આ જાહોજલાલી રાજ્યનો મહેસૂલ વિભાગ ભોગવતો હતો. જો કે, પાછલાં પાંચ વર્ષ દરમિયાન પોલીસ વિરુદ્ધ લાંચના કેસ પુષ્કળ થયા છે, પરંતુ તેની સામે લાંચની રકમનો આંકડો તોતિંગ નથી. તેનો એક અર્થ એવો પણ થઈ શકે કે, નાની રકમની ફરિયાદો વધુ દાખલ થાય છે અને પરચૂરણ પોલીસકર્મીઓ જ આવા છટકામાં ઝડપાઈ ગયેલા જાહેર થાય છે, આ આખો મામલો લાંચ રૂશવત વિરોધી શાખાની વાર્ષિક કામગીરીઓ દેખાડવા માટેનું પ્લાનિંગ પણ હોય શકે. અને લાંચ રૂશવત વિરોધી શાખા લાંચ મામલે પોલીસને જ વધુ નિશાન શા માટે બનાવે છે .?! સરકારના અન્ય વિભાગોમાં પણ લેતીદેતીઓ વ્યાપક હોવાની ચર્ચાઓ વચ્ચે માત્ર પોલીસ જ છાપે ચડે છે, એ મુદ્દો પણ નોંધનીય લેખાવી શકાય.
ACB રિપોર્ટ કહે છે: વર્ષ 2019માં 101 પોલીસકર્મીઓ અથવા તેમના સહાયકો લાંચમાં ઝડપાઈ ગયા. 2020માં આ આંકડો 107 રહ્યો. 2021માં 74 પોલીસકર્મીઓ ઝડપાયા, 2022માં 61 અને 2023માં 94 પોલીસકર્મીઓ લાંચ લેતાં પકડાઈ ગયા છે. લાંચ લેતાં ન પકડાતા હોય એવા મામલાઓ અગણિત હોય શકે છે, અને જાહેર થયેલાં આ આંકડાઓ કુલ કેસ અને તેમાંના પોલીસ સંબંધિત કેસોના હોય છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, ACB ધારે તો 365 દિવસ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કેસ નોંધી શકે, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ અપ્રમાણસર સંપત્તિઓના કેસો પણ મોટી સંખ્યામાં નોંધાઈ શકે એમ છે પરંતુ ACB પણ આખરે તો એક સરકારી વિભાગ જ છે, જેથી લોકો તેની પાસેથી પણ અસરકારક કામગીરીઓની અપેક્ષાઓ રાખતાં નથી- કડવી વાસ્તવિકતા આ પણ છે.