Mysamachar.in:ગાંધીનગર
ગાંધીના ગુજરાતમાંથી ધીમેધીમે, દારૂબંધીની વિદાય માટે, દબાતાં પગલે પણ ઝડપભેર તૈયારીઓ થઇ રહી હોવાનું દેખાઈ રહ્યું છે. એક પછી એક વિગતો અને તે અનુસંધાને રાજયભરમાં ચર્ચાઓ જાહેર થઈ રહી છે, હવે હાલારના બેટદ્વારકા અને પ્રખ્યાત શિવરાજપુર બીચ સુધી આ પવન પહોંચી ચૂક્યોછે. આમ જૂઓ તો, આ માટેની ગતિવિધિઓ છેક 2017ની સાલથી રાજ્યમાં ચાલુ જ છે જે હવે, ગિફ્ટ સિટી બાદ, સફળ થશે એવું હાલ સમજાઈ રહ્યું છે.રાજ્યના પ્રવાસન વિભાગે એક દરખાસ્ત તૈયાર કરી છે. આ દરખાસ્ત બીચ ટુરિઝમ વિકસાવવા માટે છે. જેમાં કુલ પાંચ સ્થાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પાંચ સ્થાન પૈકી 2 જગ્યાઓ છે- બેટ દ્વારકા અને શિવરાજપુર બીચ. દારૂની ચોક્કસ પ્રકારની છૂટછાટ સાથે, બીચ ટુરિઝમ ડેવલપ કરવા આમ તો 2017થી પ્રયાસો થઈ રહ્યા છે, બીજી વખત 2019માં પણ આ હિલચાલ થયેલી, આ વખતે ત્રીજી વખત આ દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે.
રાજ્યના પ્રવાસન વિભાગ સાથે સંકળાયેલા સૂત્રના કહેવા મુજબ, રાજયમાં પ્રવાસીઓને આકર્ષવા ઉપરોકત બે સ્થાનો ઉપરાંત પોરબંદર નજીકના માધવપુર ખાતે, કચ્છના માંડવી ખાતે તથા વલસાડના તિથલ ખાતે પણ, બીચ ટુરિઝમ ડેવલપ કરવામાં આવશે. આ સરકારી તંત્ર કહે છે: વિદેશી પ્રવાસીઓને આ જગ્યાઓ પર આકર્ષવા અમોએ દારૂબંધીની હળવી નીતિ સાથે આ સ્થળો માટે મંજૂરી માંગી છે. આ પાંચ સ્થાન પર વોટર સ્પોર્ટસ એક્ટિવીટી માટે અલગથી દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે.
અગાઉ આ માટે બે વખત પ્રયાસ થયા ત્યારે મૂડીરોકાણ માટેની દરખાસ્ત ન આવતાં જેતે સમયે આ પ્રકારની દરખાસ્તો ફાઇલોમાં પડી રહી હતી, જે ચાર વર્ષ બાદ ફરીથી સરકારમાં મોકલવામાં આવી છે. હાલ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત આ દરખાસ્તો આગળ વધી શકે છે. જો આમ શક્ય બનશે તો, ગિફ્ટ સિટી માફક ઉપરોકત પાંચ જગ્યાઓ પર પણ દારૂબંધી હળવી કરવા ચોક્કસ શરતો અને નિયમો જાહેર થશે.