Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પ્રાચીન ગેઈટને હેરિટેજ લુક આપવા માટે આ ગેઈટની નજીકના વિસ્તારોમાં જુદા જુદા પ્રકારના અનધિકૃત બાંધકામ દૂર કરવાના આયોજનમાં ગતસાંજે સલાયા ગેઈટ તથા દ્વારકા ગેઈટ વિસ્તારમાંથી જુદા જુદા પ્રકારનું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું, ખંભાળિયાના સલાયા ગેઈટ, દ્વારકા ગેઈટ તથા પોર ગેઈટ વિસ્તારમાં આવેલા રજવાડાના સમયના – દાયકાઓ જુના પ્રાચીન અને આકર્ષક ગેઈટને નવેસરથી સુશોભિત કરવા અને પ્રાચીન ધરોહર જાળવી રાખવાના આશય સાથે સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આગવી ઓળખ ઘટક હેઠળ હેરિટેજ સ્થળોને ડેવલપ કરવા રજવાડાના સમયના જુદા જુદા ગેઈટને આકર્ષક અને હેરિટેજ લુક આપવાનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો હતો.
આશરે રૂપિયા 3.50 કરોડના ખર્ચે મંજૂર થયેલા આ પ્રોજેક્ટ માટે આ ગેઈટને અડીને કરવામાં આવેલા કેટલાક બાંધકામને સ્વૈચ્છિક રીતે દૂર કરાવા જે-તે આસામીઓને નોટિસ આપી દેવામાં આવી હતી. આના અનુસંધાને તંત્ર દ્વારા સલાયા ગેઈટ અને દ્વારકા ગેઈટ ખાતે જેસીબી જેવા સાધનોની મદદથી બાંધકામ દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી.આ કામગીરી દરમિયાન નગરપાલિકાના ચીફ ઓફિસર ભરત વ્યાસ તથા ઇજનેર એન આર. નંદાણીયા સાથે હેરિટેજના કોન્ટ્રાક્ટર, પાલિકા સ્ટાફ, પીજીવીસીએલ તંત્ર તેમજ પોલીસ સ્ટાફ પણ આ સ્થળે હાજર રહ્યો હતો. જેના કારણે કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો ન હતો. કાર્યવાહીમાં બંને સ્થળોએ મળી આશરે 35 જેટલા મકાનો, દુકાનો તેમજ કેબીનોને દૂર કરી દેવામાં આવી હતી. આ સ્થળોએથી કાટમાળ હટાવવા તેમજ અન્ય કામગીરી આજે પણ કરવામાં આવશે.