Mysamachar.in:ગુજરાત
વાયુ પ્રદૂષણ અતિ ગંભીર વિષય છે. જે દેશના કરોડો નાગરિકોના આરોગ્ય અને જિંદગી પર જોખમ છે. એટલે કોઈ પણ સંજોગોમાં વાયુ પ્રદૂષણ દૂર થવું જ જોઈએ અને એ માટે સરકારે આકરાં પગલાંઓ પણ લેવા જોઈએ- આ પ્રકારનો સ્પષ્ટ મત ખુદ સર્વોચ્ચ અદાલત ધરાવે છે. ખરેખર તો, લોકોએ આ મુદ્દે ગંભીર અને સંવેદનશીલ તેમજ જાગૃત બનવું જોઈએ, જે હાલના સમયની તાતી જરૂરિયાત છે કેમ કે, વાહનો અને ઉદ્યોગો બેરોકટોક વાયુ પ્રદૂષણ ફેલાવે છે, જે જોખમકારક છે.તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં એક મામલો આવ્યો. આ મામલો ડીઝલચાલિત ભારે વાહનો અને વાયુ પ્રદૂષણ સંબંધિત હતો. જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું, પ્રદૂષણમુક્ત વાતાવરણ મેળવવું દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. બંધારણના અનુચ્છેદ 21 માં આ ઉલ્લેખ સ્પષ્ટ છે. અહીં સો મણનો સવાલ એ છે કે, સરકારો આ મામલે અદાલત જેટલી ગંભીર છે ?
સર્વોચ્ચ અદાલતે દેશમાંથી તબક્કાવાર રીતે, ડીઝલચાલિત તમામ ભારે વાહનો હટાવવા નીતિ ઘડવા કહ્યું છે. તેની જગ્યાએ BS-6 વાહનો દાખલ કરવા કહ્યું છે. પર્યાવરણ પ્રદૂષણ ઓથોરિટીએ આ ભલામણ કરી હતી, જેને આધાર બનાવી સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને ઉપરોકત સૂચના આપી છે.સુપ્રિમ કોર્ટના જસ્ટિસ અભય ઓકા તથા જસ્ટિસ પંકજ મિથલની ખંડપીઠે આમ કહ્યું છે. આ બેન્ચે સુનાવણી દરમિયાન કેન્દ્રીય ભૂતલ અને પરિવહન મંત્રાલયને આ મુદ્દે 6 મહિનામાં પોલિસી ઘડવા જણાવ્યું છે. કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના એક આદેશ વિરુદ્ધ કરેલી અપીલના કેસમાં સર્વોચ્ચ અદાલતે આમ કહ્યું છે.
આ સુનાવણી દરમિયાન પ્રદૂષણ મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે એવી દલીલ કરી હતી કે, ડીઝલચાલિત ભારે વાહનો એટલે કે ટ્રકો દિલ્હી NCRમાં દાખલ ન થાય એ માટે ડાઈવર્ઝન આપવામાં આવ્યા છે. આ તકે ખંડપીઠે કહ્યું, સ્વચ્છ હવા મેળવવાનો અધિકાર માત્ર દિલ્હીવાસીઓનો જ નથી, આ ડાઈવર્ઝનનો અર્થ એ છે કે, NCR બહાર વસતાં નાગરિકોને સ્વચ્છ હવા લેવાનો અધિકાર નથી, તેઓએ પ્રદૂષણ વેઠવું પડે.સુપ્રિમ કોર્ટે એમ પણ કહ્યું કે, ડીઝલના વિકલ્પમાં CNG, હાઈબ્રીડ અને ઈલેક્ટ્રીક જેવા વાહનો માટે સંશોધન ચાલુ રાખવામાં આવે અને આ મામલાની વધુ સુનાવણી 31 જૂલાઈએ કરવામાં આવશે. અદાલતે એમ પણ સ્પષ્ટ કર્યું કે, દિલ્હી-NCR સિવાય પણ, દેશના અન્ય વિસ્તારોમાં રહેતાં તમામ દેશવાસીઓનો મૌલિક અધિકાર છે કે, તેઓને પણ પ્રદૂષણમુક્ત વાતાવરણ મળે. બંધારણનો અનુચ્છેદ 21 આમ કહે છે અને તે તમામ માટે સમાનરૂપે આ નીતિ લાગુ થવી આવશ્યક છે.