Mysamachar.in:ગુજરાત:
ઘણાં લોકોની ઇચ્છા એવી હોય છે કે તેઓ પોતાના ચૂંટણીકાર્ડ અને આધારકાર્ડ પરના ફોટા બદલાવવા ઈચ્છતા હોય છે. જે પૈકી ચૂંટણીકાર્ડમાં ફોટો બદલાવવાની વ્યવસ્થા તો છે જ, હવે તમે આધારકાર્ડમાં પણ તમારો ફોટો બદલાવી શકશો. જો કે આ વ્યવસ્થા ઓનલાઈન નથી, અને તેના માટે તમારે નિયત ફી પણ ચૂકવવી પડશે. આધારકાર્ડ હવે ઓળખ માટેનો મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. મોટાભાગના મહત્વના કામોમાં આધારકાર્ડ જરૂરી છે. જો તમે તમારાં આધારકાર્ડ પરનો ફોટો બદલવા ઈચ્છો છો તો હવે તમે એમ કરી શકશો.
ઘણાં કિસ્સાઓમાં આધારકાર્ડ પરનો ફોટો તમારી ઓળખ સાથે મેચ કરવો મુશ્કેલ બનતો હોય છે. હવે આ મુશ્કેલી દૂર થશે. UIDAIએ આધારકાર્ડ પરનો તમારો ફોટો બદલી શકવાની સુવિધા આપી છે. આ માટે તમારે નજીકના આધારકાર્ડ સેન્ટરની મુલાકાત લેવાની રહેશે. તમે નજીકનું આધારકાર્ડ સેન્ટર શોધવા UIDAIની વેબસાઈટ પર સેન્ટરનું લિસ્ટ જોઈ શકો છો.
બાદમાં નજીકના સેન્ટર પર જઈ તમારે ફોટો અપડેટ કરવા સેન્ટર પરથી એક ફોર્મ લેવાનું રહેશે. ફોર્મની તમામ વિગતો ભરી એ જ સેન્ટર પર તમારે ફોર્મ સબમિટ કરવાનું. ત્યાં હાજર ઓપરેટર તમારો નવો ફોટોગ્રાફ લેશે. અને અપડેટ વિનંતી નંબર સાથે એક સ્લિપ જનરેટ કરશે. આ રીતે ફોટો અપડેટ થયા બાદ તમે નવા ફોટા સાથેની આધારકાર્ડની ડિજિટલ કોપી uidai.gov.in પર જઈ તમે સરળતાથી ડાઉનલોડ કરી શકશો. આ કામ માટેની ફી સરકારે rs.100 નક્કી કરી છે. આ માટેનું ફોર્મ વેબસાઈટ પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે.






