Mysamachar.in-ગુજરાત:
ઘરનું ઘર- દરેક વ્યક્તિ કે પરિવારનું સપનું હોય છે, આ પ્રકારનો પ્રચાર ખાનગી ધંધાર્થીઓની જાહેરાતોમાં તથા સરકારી પ્રચારોમાં થતો રહેતો હોય છે, પરંતુ વાસ્તવિક સ્થિતિઓ અલગ છે, કેમ કે- મહાનગરપાલિકાઓ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં જે મકાનો આપે છે, તેમાં રહેવા જવા સરેરાશ મધ્યમવર્ગ રાજી નથી. આવાસોની સમસ્યાઓ અને આવાસોનું અંદરનું સામાજિક વાતાવરણ આ વર્ગને અનુકૂળ આવતું નથી.
બીજી તરફ, બિલ્ડર્સ દ્વારા જે મકાનો વેચાણ માટે તૈયાર કરવામાં આવે છે તે મકાનોની કિંમતો મધ્યમવર્ગને પોસાતી નથી, કેમ કે આ કિંમતો ઉંચી પણ હોય છે અને મધ્યમવર્ગના ગણિત મુજબ, આ કિંમત વાજબી હોતી નથી, આ બાબતમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ પણ લોકોને અકળાવતો હોય છે. આ ઉપરાંત હોમલોન પરનું વ્યાજ અને ઉંચા EMI મધ્યમવર્ગને પોસાતા ન હોવાથી આ વર્ગ માટે ઘરનું ઘર આજની તારીખે પણ સપનું જ છે.
મિલ્કતોના (ફૂગાવો અને મોંઘવારીના કારણે)વધતાં જતાં ભાવો અને મોંઘીદાટ હોમલોન- આ બે મુખ્ય બાબતોને કારણે લાખો પરિવારો આજે પણ ભાડે રહેવા મજબૂર છે. રોજગારીના ક્ષેત્રમાં પણ ચિત્ર ઘણાં વર્ષોથી સારું નથી. આવી બધી બાબતોને કારણે આજની તારીખે પણ કરોડો પરિવારો માટે ઘરનું ઘર એક સપનું જ રહી ગયું છે.
RBI સંબંધિત એક સર્વે જણાવે છે કે, ગુજરાત સહિતના દેશનાં 8 મોટાં શહેરોમાં રૂ. 50 લાખ સુધીની કિંમતોના મકાનોના વેચાણમાં 16 ટકા જેવો મોટો ઘટાડો નોંધાયો છે, લાખો મકાનો તૈયાર પડ્યા છે જેનું કોઈ ખરીદદાર નથી. જયાં સુધી રિઝર્વ બેન્ક હોમલોન સસ્તી નહીં કરે ત્યાં સુધી પરિસ્થિતિઓ સુધરશે નહીં, અને રિઝર્વ બેન્ક પાસે પણ વિકલ્પ મર્યાદિત છે.