Mysamachar.in-અમદાવાદ:
ટીવી અને સિનેમાઘરોમાં બહુ ઓછાં લોકો ફિલ્મો જૂએ છે, નવી પેઢીને OTT પ્લેટફોર્મ ખૂબ જ પસંદ છે. કરોડો ગ્રાહકો આ પ્લેટફોર્મ પર ફિલ્મો અને વેબસિરીઝ ધૂમ જૂએ છે. પરંતુ આગામી સમયમાં આ પ્લેટફોર્મ સરકારના નિયંત્રણમાં આવી જશે. દર્શકો માટે આ સમાચાર માઠાં પૂરવાર થઈ શકે છે.
સૂત્ર કહે છે: નવો કાયદો લાગુ થવાથી આ પ્લેટફોર્મ માટે ગ્રાહકોએ વધુ નાણાં ચૂકવવા પડશે. ઉપરાંત આ પ્લેટફોર્મ પર સેન્સરશિપ પણ આવી રહી છે. ચોક્કસ પ્રકારના ગલગલિયાં કરાવતી સામગ્રીઓ આ પ્લેટફોર્મ પરથી અદ્રશ્ય થવા સંભવ છે. આ પ્લેટફોર્મ પર બધાં જ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત થશે. અને કઈ કંપની પાસે કેટલાં ગ્રાહકો છે.? તેનો આંકડો પણ સરકાર માંગશે. જાહેરાતના ક્ષેત્રમાં પણ તેની અસરો થશે.
એમેઝોન પ્રાઈમ, નેટફલિકસ અને ડિઝની હોટસ્ટાર જેવા મંચ સૌ પ્રથમ સેન્સરશિપના દાયરામાં આવી જશે. આ ઉપરાંત ઓનલાઈન સમાચાર સેવાઓને પણ આ નવા કાયદામાં આવરી લેવામાં આવશે. કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે નવા પ્રસારણ સેવા વિધેયકનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. DTH અને IP ટીવીનો પણ આમાં સમાવેશ થઈ જશે. આ કાયદાના અમલ સાથે જ OTT મંચ બ્રોડકાસ્ટિંગ નેટવર્ક ઓપરેટર તરીકે ઓળખાશે. સરકારની સૂચનાનું પાલન ન થાય તેવા કેસમાં સરકાર આ તમામ સામગ્રીઓમાં ફેરફાર કરી શકશે, સામગ્રીઓ ડિલીટ પણ કરી શકાશે.
આ કાયદાના અમલ બાદ OTT મંચોને ખર્ચ વધશે, આ બધો ખર્ચ ગ્રાહકો પર લાદવા માટે OTT મંચો બાજી ગોઠવશે. સેક્સની સામગ્રીઓ ઘટશે અથવા બંધ થશે, ભાષા પર નિયંત્રણ આવશે. સેન્સરશિપ આકરી પણ નીવડી શકે. પછી આ મંચ બહુ રસપ્રદ ન રહે, એવું પણ બની શકે.