Mysamachar.in-જામનગર
કિવીમાં ભરપુર માત્રામાં વિટામિન અને મિનરલ્સ હોય છે. જે સ્વાસ્થ માટે ખુબ લાભકારક છે. કિવિ શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ભૂરા રંગની છાલવાળું અંદરથી નરમ અને લીલા રંગનું આ ફળ સ્વાદમાં થોડું ગળ્યુ અને ખટાસ યુક્ત હોય છે. વધુ તો વિટામિન C, વિટામિન K, વિટામિન E, ફોલેટ અને પોટેશિયમ જેવા પોષકતત્વોથી ભરપૂર કિવી એન્ટીઓક્સિડન્ટ્સ અને ફાઈબરનો સૌથી સારો સોર્સ છે. કિવીના નાનકડા કાળા બી અને રેશાયુક્ત છાલ પણ ખાઈ શકાય છે. જોકે, મોટાભાગના લોકો કિવી ખાતા પહેલા તેની છાલ કાઢી નાખે છે. આહારની દ્રષ્ટિએ કિવી ખૂબ જ પૌષ્ટિક હોય છે. કિવીનું વાવેતર અને ઉછેર થોડું મુશ્કેલ છે. છતાં પણ આખા વર્ષ દરમ્યાન કિવી દુકાનોમાં સરળતાથી મળી રહેતા હોય છે. કિવી ફેટ ઘટાડવામાં મદદરૂપ છે. લોહીમાં રહેલા કોલેસ્ટ્રોલ પર કોઈ પણ હાનીકારક અસર કર્યા વિના કિવી મદદરૂપ સાબિત થાય છે.
એક રિસર્ચ અનુસાર રોજ બે થી ત્રણ કિવી કુદરતી રીતે લોહી પાતળું રાખવામાં સહાયરૂપ થાય છે. આ સાથે જ આ હ્રદયને પણ તંદુરસ્ત બનાવે છે. કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં કિવી ઉપયોગી છે. તેના નિયમિત સેવનથી શરીરમાં હાનીકારક કોલેસ્ટ્રોલના પ્રમાણમાં ઘટાડો થાય છે. કિવિમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જે પાચનશક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. ફાઇબર સિવાય કિવિમાં પ્રોટીનને અસરકારક રીતે પચાવી શકે તેવા એક્ટિનીડિન એન્ઝાઇમ હોય છે. ભારે ભોજન પછી કિવિ ખાવાની સલાહ પણ આપવામાં આવે છે. કિવી ખાવામાં જેટલું જ ટેસ્ટી છે, તેટલું જ આરોગ્ય માટે પણ ફાયદાકારક છે. દિવસ દરમિયાન 2 થી 3 કિવી ખાવાથી હાઈ બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવામાં મદદ મળે છે. કિવી હાર્ટ અટેક અને સ્ટ્રોક જેવી બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે.