Mysamachar.in-જામનગર:
કોરોના મહામારીએ ગુજરાત સહીત સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે, એક બાદ એક કેસોનો એવો તો ઉછાળો આવવા લાગ્યો અને ટપોટપ લોકોના મોત થયા..હા તબીબોની અથાગ મહેનતને પરિણામે કેટલાય લોકોનો જીવ બચ્યો અને હવે સમાજમાં સ્વસ્થ થઈને ફરી રહ્યા છે, પરંતુ આ વખતની દિવાળી કોરોનામાંથી પસાર થયેલા દર્દીઓ માટે તકેદારીની દિવાળી છે, કોરોનાની મહામારી હજુ ખત્મ નથી થઇ માટે આ કપરા સમયમાં દિવાળી પર્વે બને ત્યાં સુધી ફટાકડા નહીં ફોડવા માટે નિષ્ણાત ડોક્ટરોએ સલાહ આપી છે, એટલું જ નહીં પરંતુ ફટાકડાનો ઝેરી ધુમાડો કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે તો અત્યંત જોખમી હોવાનું કહેવામાં આવી રહ્યું છે,
અને હા ખાસ તો જે લોકો કોરોનાથી સાજા થઈ ગયા છે તેમના માટે પણ મુસીબત સમાન ફટાકડાનો ધુમાડો બની શકે છે, કારણ કે એકવાર જેમને કોરોના થયો છે તેવા મોટા ભાગના દર્દીઓના ફેફસાં ઓછાવત્તા અંશે નબળાં પડયા છે. એટલે ધુમાડાની પ્રદુષણની સીધી અસર આવા દર્દીઓ પર થઇ શકે તેવો મત નિષ્ણાત તબીબો વ્યક્ત કરે છે, તબીબો કહે છે કે, ફટાકડાનો ઝેરી ધુમાડો શ્વાસમાં જાય તો નુકસાન થઈ શકે છે, ખાસ કરીને કોરોનાગ્રસ્ત દર્દી અને કોરોનાથી સાજા થયા હોય તેમને વધુ તકેદારી રાખવાની જરૂર છે, જેમને અસ્થમાની બીમારી છે, શ્વાસ લેવામાં પહેલેથી જ તકલીફ પડતી હોય તેવા દર્દીઓની તકલીફમાં હજુ વધારો થઈ શકે તેમ છે, આ સંજોગોમાં આવા લોકોએ બને ત્યાં સુધી ઘરમાં જ રહેવું હિતાવહ છે. સિનિયર સિટિઝન અને નાના બાળકોને ઘરની બહાર નીકળવાનું બને ત્યાં સુધી ટાળવું જોઈએ.
સાથે જ તબીબોના મતે જે ફટાકડામાંથી વધુ સૌથી વધુ ધુમાડો નીકળતો હોય છે તેનો તો ખાસ મહામારીના સમયમાં ઉપયોગ ન કરવો પણ હિતાવહ છે, દિવાળીના સમયે બજારોમાં ભીડ ઊમટી છે, આ જ સ્થિતિ રહેશે તો માંડ-માંડ કાબુમાં આવી રહેલા કોરોનાના કેસોમાં પણ વધારો થશે, માટે આ વખતની દિવાળી સંયમ સાથે ઉજવીએ આપણું અને આપના પરિવારની તો ચિંતા કરીએ જ સાથે જ આસપાસના લોકોની પણ ચિંતા કરી અને બને તો માત્ર ઘરઆંગણે દીપ પ્રજ્વલિત કરી અને દિવાળીની સાદાઈ પૂર્વક ઉજવણી કરીએ.