Mysamachar.in-જામનગર
વધુ પડતી ગરમીએ મનુષ્યના આરોગ્યને હાનિકર્તા છે. અને ઉનાળામાં હીટવેવના કારણે સન સ્ટ્રોક (લૂ) લાગવાના કેસો ખૂબ બનવા પામે છે. ઉનાળાની ઋતુમાં લુ લાગવાના કેસોને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા સનસ્ટ્રોક (લૂ) થી બચવા જાહેર જનતા માટે આરોગ્યલક્ષી સુચનાઓ જાહેર કરી છે. તે મુજબ હીટવેવ દરમ્યાન બહાર નીકળવાનુ ટાળવું, આખું શરીર અને માથું ઢંકાઇ તે રીતે સફેદ સુતરાઉ ખુલતા કપડા પહેરવા, ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો, નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો તથા અશક્ત અને બિમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી, સીધા સુર્યપ્રકાશથી બચવુ,ભીના કપડાથી માથુ ઢાંકી રાખવુ અને જરૂર જણાયે અવાર-નવાર ભીના કપડાથી શરીર લુછવુ,
દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવુ, લીંબુ શરબત બનાવીને પીવા જોઇએ. બાળકો માટે કેસુડાના ફુલ તથા લીમડાના પાનનો નાહવાના પાણીમાં ઉપયોગ કરવો. ગરમીમાં બહારથી ઘરે આવ્યા બાદ શરીરનું તાપમાન નીચું આવે ત્યારબાદ જ નહાવું,શક્ય હોય તો ઘરના બારી અને બારણા સાથે ખસની ટટ્ટી પાણી છાંટી બાંધી રાખવી, દિવસ દરમ્યાન ઝાડ નીચે, ઠંડક અને છાંયામાં રહેવું, બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો નહી. બજારમાં મળતા બરફનો ઉપયોગ ટાળવો. લગ્ન પ્રસંગે દૂધ, માવામાંથી બનાવેલ ખાધપદાર્થો ખાવા નહી. ઉપવાસ કરવાનુ ટાળવું.માથાનો દુખાવો, ઉલ્ટી થવી, ઉબકા આવે તો તુરત જ નજીકના દવાખાના, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ.