Mysamachar.in-જામનગર:
કેમ છો મિત્રો? શું કહે છે તમારા ઘરમાં કોની પરીક્ષા આવે છે? લે શું કહો છો…તમારા બાળકની વાર્ષિક પરીક્ષાનું ટાઇમટેબલ આવી ગયું… તમે તેનું ટી.વી. જોવાનું ને રમવાનું બંધ કરાવીને તેને વાંચવા બેસાડી દો છો..! અરે નાના બાળકોની આ પરિસ્થિતિ છે તો બોર્ડમાં જે વિદ્યાર્થીઓ છે તેના વાલી શું કહો છો…હેં.. તમે બાળક માટે ટાઇમટેબલ જ બનાવી દીધું છે…ક્યારે જમવા ઉઠવાનું, કયારે સૂવાનું બધું..! બસ,બસ વાલીઓ બસ અહીં જ થોભી જાઓ અને વિચારો કે તમે શું કરી રહ્યા છો? બાળકને તૈયારીમાં મદદ કરો છો કે બાળકને બાંધો છો?
પરીક્ષા એ આમ તો ઔપચારિક શિક્ષણ પ્રથા ચાલુ નહોતી થઈ ત્યારે પણ લેવામાં આવતી. ગુરુઓ દ્વારા પરીક્ષાઓ લેવામાં આવતી અને જો શિષ્ય એ પરીક્ષામાં પાસ ન થાય તો તેને ભૂખ્યા રહેવાથી લઈને વધુ શારીરિક શ્રમ કરવા સુધીની સજા આપવામાં આવતી. આપણી પહેલાની પેઢી સુધી સજા આપવાની પ્રથા હતી જ. શિક્ષકો હાથ કે ગાલ લાલ કરી નાખે તો પણ વાલીઓ ક્યારેય શાળાનું પગથિયું ચડતા નહિ. શિક્ષક અને શાળાને બાળક સોંપી દીધા પછી જવલ્લે જ એની ફિકર કરતા. આજથી 30 વર્ષ પહેલાં સુધી વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી પોતાના ઉચ્ચ શિક્ષણ વિશેની તપાસ અને વ્યવસ્થા પણ પોતે કરી લેતું. પરંતુ સમય બદલાયો. હવે માતા-પિતા બાળકના કે.જી.ના ફોર્મ ભરવા માટે પણ લાઈનમાં ઉભા રહેવા લાગ્યા છે. બાળકને સારું શિક્ષણ આપવાનો માતા-પિતાનો મોહ વધતો જાય છે. હા,'મોહ'! પોતાનું બાળક સારા ગુણ લાવે તેનો આનંદ માતા-પિતાને ત્યાં સુધી નથી થતો જ્યાં સુધી 5-10 સગા-સંબંધીઓ એ વાતના વખાણ ન કરે !
વાલીઓએ પહેલા એમ વિચારવાની જરૂર છે કે તમારા બાળકની પરીક્ષા અને તેને મેળવેલ ગુણ તમારા બાળકના ભવિષ્ય માટે ઉપયોગી છે એટલે તમે તમારા બાળકને સારા ગુણ લાવે એવો આગ્રહ રાખો છો કે ખાલી 'સારું' લાગે એટલે? પહેલા 3 ઇડિયટ્સના ડાયલોગની જેમ "કપૂરસાહબ ક્યાં કહેંગે?"ની જેમ જો તમે કોઈ 'કપૂરસાહેબ' તમારા બાળકના વખાણ કરે તેના માટે તમારા બાળકની પાછળ પડી જતા હો તો રહેવા દો. 3 ઇડિયટ્સના માધવનની જેમ તમારા બાળકને તમે ખુશ છો તેનાથી કે નહિ એ વાતથી ફેર પડે છે, નહિ કે બીજા શું કહે છે તેનાથી.
ખાસ કરીને બોર્ડની પરીક્ષા આપવા જઇ રહ્યા છે એ વિદ્યાર્થીઓમાં અને તેમના માતા-પિતા તો એવા હાવ સાથે આખું વર્ષ અને ખાસ કરીને છેલ્લો મહિનો કાઢે છે કે જાણે વિદ્યાર્થી ભારતનો સૈનિક હોય અને પરીક્ષા પાકિસ્તાનની સરહદ. કોઈ વસ્તુનો અતિરેક એ સારો નથી. પરીક્ષા પ્રત્યે ગંભીર હોવું એ સારી વાત છે પરંતુ પરીક્ષા નામ સાંભળીને હાથ પગ ધ્રુજવા લાગે એ વાત ખોટી છે.
આમ તો હવે દરેક સીઝનને માણવાને બદલે લોકો એની ચિંતા વધુ કરતા હોય છે, ઉનાળામાં કેરી આવશે એના હરખ કરતાં આ વર્ષે કેરી સસ્તી હશે કે મોંઘી એ ચિંતા વધુ હોય છે એમ પરીક્ષાનું પેપર આ વર્ષે કેવું હશે એ ચિંતા વધુ હોય છે. અરે, પેપર તો વર્ષોથી જેમ નીકળે છે એમ જ નીકળશે. પેપર સ્ટાઇલ નક્કી છે, ગુણભાર નક્કી છે તો એ મુજબનું જ પેપર હશે તમારી તૈયારી કેવી હશે એ જોવાનું છે. હા પણ એ બાબતે મનમાં હાવ રાખીને નહિ હોં! પરીક્ષા એ ફક્ત મૂલ્યાંકન છે તમારા અભ્યાસક્રમમાંથી તમે કેટલું યાદ રાખી શક્યા, સમજી શક્યા અને તેને કેટલી સારી રીતે રજૂ કરી શક્યા એનું. એક પગથિયું છે જે આગળના પગથિયાં પરની ધૂળ તમારા માટે દૂર કરશે. બસ આંનદિત મન સાથે થઈ જાઓ તૈયાર પરીક્ષાની સીઝન માટે..અને હા પરીક્ષા ટાઈમે કેરીના ભાવની ચિંતા ન કરતા, તમને આ વર્ષે પણ સરસ મજાની કેરી ખાવા મળશે જ!
-આલેખન: હેમાંગી ભોગાયતા, ટીચર-ભવન્સ એ.કે.દોશી વિદ્યાલય