Mysamachar.in-જામનગરઃ
આપણે ત્યાં કહેવત છે કે ચાઇનીઝ વસ્તુ ચાલે તો ચાંદ તક નહીં, તો સામ તક. છેલ્લા કેટલાક સમયથી ચાઇનીઝ એપ્લિકેશન ટિકટોકે ભારતમાં યુવાધનને ભારે ઘેલું લગાડ્યું છે. ખાસ કરીને યુવાનો દિવસમાં એક વખત તો મોબાઇલમાં ટિકટોક જરૂર ખોલે છે. પરંતુ ટિકટોક યૂઝ કરનારાઓ માટે ઇઝરાયલે ચેતવણી જાહેર કરી છે, ઇઝરાયલની સાઈબર સિક્યોરિટી કંપની ચેક પોઈન્ટે દાવો કર્યો કે ટિકટોકમાં એક ખામી (બગ) છે જેની મદદથી હેકર સરળતાથી તમારું એકાઉન્ટ હેક કરી શકે છે. રિપોર્ટ પ્રમાણે આ બગના કારણે એક અબજથી વધુ યૂઝર્સના એકાઉન્ટ પર હેક થવાનો ભય છે. જ્યારે ભારતની વાત કરીએ તો એકલા ભારતમાં ટિકટોકના 30 કરોડથી વધુ યૂઝર્સ છે. ત્યારે હેકર્સનો સૌથી વધુ ખતરો ભારતીયો પર મંડરાયેલો છે.
તો ટિકટોક પર લાગી જશે પ્રતિબંધ !
ટિકટોકની વાત કરીએ તો છેલ્લાં ત્રણ મહિનામાં સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ પણ છે. રિપોર્ટમાં જાણવા મળ્યું કે ડેટા ચોરીનો ખતરો બહુ ઝડપથી વકરી રહ્યો છે. તેમાં સૌથી લોકપ્રિય એપ્સ હેકર્સના નિશાને છે. ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના એડિશનલ સેક્રેટરી ગોપાલ કૃષ્ણન એસ.એ કહ્યુ કે, જો ભારતના યુઝર્સના ડેટા લિક થયા છે, તો સરકાર ટિકટોક પર પ્રતિબંધ મૂકી શકે છે. જ્યારે સાઈબર એક્સપર્ટ પવન દુગ્ગલે કહ્યું કે, આ મામલામાં સરકાર ખાસ કશું ના કરી શકે કારણ કે, આઈટી એક્ટ બે દસકા જૂનો છે. આવી ઘટનાઓને લઈને કાર્યવાહી કરવાની કોઈ ઠોસ સિસ્ટમ જ નથી !.