Mysamachar.in-જામનગરઃ
જેમ જેમ ડિઝિટલાઇઝેશનનું ચલણ વધી રહ્યું છે તેમ તેમ તેને લગતી સમસ્યાઓ પણ વધી રહી છે. ખાસ કરીને મોબાઇલ છેતરપીંડિના કિસ્સાઓ વધી રહ્યાં છે. એવામાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી આવી છેતરપીંડિનો ભોગ બનતા બચી શકાય છે. તમે તમારા સ્માર્ટ ફોનમાં અનેક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને રાખી હશે, શું તમને ખરબ છે તમારી કેટલીક પર્સનલ વસ્તુઓ જેમ કે સંપર્ક, તસવીરો, વીડિયો, SMS વગેરેની એપ્લિકેશન દ્વારા ચોરી કરવામાં આવી રહી છે ? સાયબર સિક્યોરિટી ફર્મ કેસપર્સના રિપોર્ટ મુજબ, એપ્સને આપવામાં આવતી પરમિશનથી હેકર્સ યુઝર્સની તમામ ગતિવિધિઓ પર નજર રાખી શકે છે.
રિપોર્ટ પ્રમાણે એપ્લિકેશનને પરમિશન આપવાથી એપ ઓનર (માલિક) યુઝરના ડેટાનો સરળતાથી એક્સેસ કરી શકે છે અને જરૂરત પડે તો તે ડેટાને અન્ય ફર્મ અથવા જગ્યાએ ઉપયોગ પણ કરી શકે છે. આ સિવાય એપ્સ ઓનર તેને પોતાના સર્વર પર અપલોડ પણ કરી શકે છે. તેથી આ રિપોર્ટ તૈયાર કરવામાં સામેલ ટેક નિષ્ણાતો મુજબ કોઈ પણ એપને પરમિશન આપતા પહેલાં એક વાર જરૂર વિચાર કરવો જોઈએ. ગેમિંગ એપને તમારા કોનેક્ટ અને કેમેરા એક્સેસની કોઈ આવશ્યકતા હોતી નથી અને મેસેન્જર એપને તમારા લોકેશનની કોઈ આવશ્યકતા હોતી નથી. ટ્રેન્ડી કેમેરા ફિલ્ટર્સ એપને યુઝરની કોલ હિસ્ટ્રી સાથે કોઈ સબંધ જ નથી હોતો તેમ છતાં એપ્સ જરૂર વગરની કેટલીક પરમિશન માગતી હોય છે જેને યુઝર સમજ્યા વગર ઓકે અથવા અલો કરી દે છે.
SMS, MMS અને સ્માર્ટફોનની મેમરીમાં જઈને મેસેજ જોવાની પરમિશન માગતી એપ્સ તમારા મોબાઈલ પર આપતા વન ટાઈપ પાસવર્ડને પણ જોઈ શકે છે. હેકર્સ કેલેન્ડર પરમિશનને ખૂબ પસંદ કરતા હોય છે. વ્યૂ, ડિલીટ, મોડીફાઇ અને એડ ઈવેન્ટ્સ કેલેન્ડર જેવી પરમિશનનાં માધ્યમથી હેકર્સ કેલેન્ડર સિવાય યુઝરના ભવિષ્યના પ્લાન વિશે માહિતી મેળવીને તેનો ફાયદો ઊઠાવી શકે છે. ફોટો અને વીડિયો રેકોર્ડ કરવા માટે એપને કેમેરા એક્સેસની પરમિશનની આવશ્યકતા હોય છે પરંતુ કોઈ સંવેદનશીલ એપને કેમેરા એક્સેસ પરમિશન આપવામાં આવે તો તે યુઝરની પરમિશન વગર ફોટો કેપ્ચર કરી શકે છે અને વીડિયો રેકોર્ડ પણ કરી શકે છે. એપ્સ યુઝરના કોન્ટેક્ટ્સની તમામ માહિતી તેના સર્વર પર ટ્રાન્સફર કરી શકે છે અને તેનો દૂરઉપયોગ કરી શકે છે. આ પરમિશનનાં માધ્યમથી હેકર્સ સોશિયલ મીડિયા અકાઉન્ટની જાણકારી પણ હેક કરી શકે છે. એપને ફોન એક્સેસ પરમિશન આપવાથી તે એપ યુઝરની કોલ હિસ્ટ્રી જોઈ શકે છે અને તેમાં ફેરફારો પણ કરી શકે છે આ ઉપરાંત યુઝરના કોન્ટેક્ટ્સ નંબર, સેલ્યુલર નેટવર્ક ડેટા અને આઉટ ગોઈંગ કોલનું સ્ટેટ્સ પણ જોઈ શકે છે.