Mysamachar.in-જામનગરઃ
આજના હરિફાઇના યુગમાં વાલીઓ દ્વારા બાળકો પર ભણતરનું ભારણ વધારવામાં આવ્યું છે. જેની સીધી અસર ભણતરના ભાર નીચે દબાયેલા આપણા માસુમ બાળકોના સ્વાસ્થ્ય પર થઇ રહી છે. 21મી સદીમાં મહામારી બનેલી ડિપ્રેશનની બીમારીનો શિકાર બાળકો થઇ રહ્યાં છે. થોડા સમય પહેલા જ બાળકોની સ્થિતિ જાણવા માટે એક સંસ્થા દ્વારા સર્વે હાથ ધરાયો હતો, જેમાં કેટલાક રોચક તથ્થો જાણવા મળ્યા હતા. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે દેશમાં 11 વર્ષની ઉંમરના બાળકો પણ માનસિક તણાવ એટલે કે ડિપ્રેશનનો ભોગ બની રહ્યાં છે. આટલી નાની ઉંમરમાં બાળકો ડિપ્રેશનનો શિકાર બનતા જાય છે જે ખરેખર ચિંતાનો વિષય છે. રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય અને સ્નાયુ વિજ્ઞાન સંસ્થાન (NIMHANS)બેંગ્લોર તરફથી દેશના 12 રાજ્યોમાં રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય અંગે સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. આ સર્વેમાં 34 હજાર 802 પુખ્ત વયના અને 1 હજાર 191 કિશોર વયનાં બાળકો સાથે વાત કરવામાં આવી હતી. 13 થી 17 વર્ષની ઉંમરના વર્ગમાં લગભગ 8 ટકા કિશોર વયનાં બાળકો ભણતરના કારણે ડિપ્રેશનની બીમારીનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું.
રિપોર્ટમાં ચોંકાવનારી વિગત એવી પણ સામે આવી કે ગામડાં કરતાં શહેરમાં અભ્યાસ કરતાં બાળકોમાં ડિપ્રેશનનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે ગામડામાં 6.9 ટકા બાળકોમાં ડિપ્રેશન જોવા મળે છે. જ્યારે શહેરમાં 13.5 ટકા બાળકોમાં ડિપ્રેશનની બીમારી જોવા મળે છે. વર્ષ 2011 થી 2018ની વચ્ચે લગભગ 70 હજાર વિદ્યાર્થીઓનું પરિણામ અંકના આધારે ઓછું આવવાથી તેઓએ આત્મહત્યા કરી લીધી છે. તેમાંથી લગભગ 50 ટકા ઘટનાઓ સ્કૂલ સ્તર પર થઈ છે. બાળકોમાં ડિપ્રેશન પાછળના કારણોમાં જણાવવામાં આવ્યું કે શહેરોનું જીવન ધોરણ અને નંબર મેળવવાની હરિફાઇમાં આંધળી દોટ મૂકતી સ્કૂલો જવાબદાર છે. બાળકોને ડિપ્રેશનથી બચાવવા માટે સ્કૂલ અને ઘરે તણાવ મુક્ત વાતાવરણ તૈયાર કરવાની જવાબદારી સ્કૂલ સંચાલકો અને વાલીઓની છે.